મુંબઇઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને બિહારથી અહી આવતા લોકોએ પોત-પોતાના રાજ્યના નેતાઓને ત્યાં વિકાસ કેમ નથી થયો તે સવાલ પૂછવો જોઇએ. ઠાકરેએ મુંબઇમાં વસતા ઉત્તર ભારતીયોના એક સંગઠન ઉત્તર ભારતીય મંચ દ્ધારા આયોજીત એક રેલીને સંબોધિત કરતા આ વાત કરી હતી. અહીં ઠાકરેએ પ્રથમવાર હિંદીમાં ભાષણ આપ્યું હતું.
રાજ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં નોકરીની તક હોય તો પ્રથમ તક મહારાષ્ટ્રના યુવાઓને મળવી જોઇએ તેમ કહેવું શું ખોટું છે. કાલે ઉત્તરપ્રદેશમાં કોઇ ઇન્ડસ્ટ્રી લાગે છે તો ત્યાં સૌ પ્રથમ ઉત્તરપ્રદેશના યુવાઓને તક મળવી જોઇએ તો એમાં ખોટું શું છે. આ જ વાત બિહારને પણ લાગુ પડે છે. તેમણે કહ્યું કે, હિંદી સુંદર ભાષા છે પરંતુ એમ કહેવું ખોટું છે કે આ રાષ્ટ્રીય ભાષા છે. રાષ્ટ્રીય ભાષા પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હિંદીની જેમ મરાઠી, તમિલ, ગુજરાતી અને અન્ય પણ આ દેશની ભાષા છે.
ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોએ દેશના વર્તમાન વડાપ્રધાન મોદી સહિત અનેક વડાપ્રધાન આપ્યા પરંતુ તમારામાંથી કોઇ તેમને પૂછતા નથી કે કેમ રાજ્ય ઉદ્યોગમાં પાછળ રહી ગયું અને રોજગારી મળી રહી નથી. મુંબઇમાં આવનારા લોકોમાં મોટાભાગના લોકો ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર અને બાંગ્લાદેશથી છે. હું ફક્ત ઇચ્છું છું કે જો લોકો રોજગારી માટે મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે તેમણે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિનું પણ સન્માન કરવું જોઇએ. જ્યારે પણ હું મારો પક્ષ રાખું છું જેનાથી ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો સાથે વિવાદ થઇ જાય છે અને મારી ટીકા કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં જ ગુજરાતમાં બિહારી લોકો પર થયેલા હુમલાઓ બાદ કોઇ ભાજપ કે વડાપ્રધાન પર સવાલ નથી કરતું.