રાજસ્થાન: આવતીકાલે ગેહલોત સરકાર વિરુદ્ધ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે ભાજપ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Aug 2020 04:31 PM (IST)
ભાજપનું કહેવું છે કે, ગેહલોત સરકાર પાસે પૂરતું સંખ્યાબળ નથી. ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે, અશોક ગેહલોતની સરકાર હારી ગઈ છે. ધારાસભ્ય દળની બેઠકમાં 71 ધારાસભ્ય સામેલ હતા.
જયપુર: રાજસ્થાનમાં કાલે ( શુક્રવારે) ભાજપ અશોક ગેહલોતની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. આવતીકાલથી રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરુ થઈ રહ્યું છે. આ અગાઉ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજસ્થાન વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ધારાસભ્ય પાસેથી પ્રસ્તાવ પર સહી કરાવી લેવાઈ છે. ભાજપનું કહેવું છે કે, ગેહલોત સરકાર પાસે પૂરતું સંખ્યાબળ નથી. ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે, અશોક ગેહલોતની સરકાર હારી ગઈ છે. ધારાસભ્ય દળની બેઠકમાં 71 ધારાસભ્ય સામેલ હતા. ભાજપની સહયોગી પાર્ટી આરએલસીના ત્રણ ધારાસભ્ય પણ હાજર રહ્યાં હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે, સરકારમાં ઘણા મતભેદ છે. સંભાવના છે કે, તેઓ વિધાનસભામાં વિશ્વાસ મત લાવી શકે છે પરંતુ અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં કૉંગ્રેસ પર મંડરાઈ રહેલું રાજકીય સંકટ ખતમ થઈ ગયું છે. સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોની કૉંગ્રેસમાં ધર વાપસી થઈ ગઈ છે.