નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે વડાપ્રધાન મોદી પાસે એક લાખ કરોડ રૂપિયાની મદદ માંગી છે. તે સિવાય ગેહલોતે આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ અને મેડિકલ સાધનો માટે એક ઇન્ટર સ્ટેટ સપ્લાય ચેઇન પ્રોટોકોલ લાગુ કરવાનો આગ્રહ કર્યો છે. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાતચીત બાદ મુખ્યમંત્રી ગેહલોતે કહ્યુ કે કેન્દ્ર દ્ધારા રાજ્યોની મદદ ખૂબ જરૂરી છે જેથી ગરીબ  અને અન્ય જરૂરિયાતમંદને રાહત મળી શકે. રાજસ્થાન મંદીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકડાઉનના કારણે રાજ્ય પર ખરાબ અસર પડી રહી છે. રાજ્ય સરકાર ગરીબોને આર્થિક પેકેજ આપી રહી છે.

મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, કેન્દ્રએ તરત રાહત પેકેજ આપવું જોઇએ અને જીએસડીપીના 2 ટકા સુધી લોનની અમારી સીમા વધારવી જોઇએ. તમામ રાજ્ય સરકારો પોતાના સ્તર પર પીપીઇ કિટ અને વેન્ટિલેટર ખરીદી રહી છે. કેન્દ્ર સરકારે આઇસીએમઆર મારફતે આ ખરીદીમાં સમન્વય કરવું જોઇએ જેથી તમામ રાજ્યો સારી કિંમત અને સમય પર ઉપલબ્ધ હોઇ શકે.