જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે જેસલમેર શિફ્ટ કરવામાં આવેલા ધારાસભ્યોએ સૂર્યગઢ રિસોર્ટમાં ઈદ ઉલ અઝહાનું પર્વ મનાવ્યું હતું. શનિવારે સવારે 8.30 કલાકે કોંગ્રેસના 9 મુસ્લિમ ધારાસભ્યોએ નમાજ અદા કરીને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત રાજ્ય તથા દેશમાં સુખ-શાંતિ અને સમૃદ્ધીની પ્રાર્થના કરી હતી.

સોશિયલ ડિસ્ટેંસિંગના કારણે ધારાસભ્યો એકબીજાને ગળે મળી શક્યા નહોતા. પાર્ટીના 9 મુસ્લિમ ધારાસભ્યોને મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ઈદ ઉલ અઝહાની શુભેચ્છા આપી હતી. રિસોર્ટમાં નમાજ અદા કરવાની વ્યવસ્થા કેબિનેટ મંત્રી સાલે મોહમ્મદ તરફથી કરવામાં આવી હતી.



રાજસ્થાન કોંગ્રેસના 9 મુસ્લિમ ધારાસભ્યો છે. જેમાં કેબિનેટ મંત્રી સાલે મોહમ્મદ, વરિષ્ઠ ધારાસભ્ય અમીન ખાન, સાફિયા ઝુબેર, હાકમ ખાન, અમીન કાદરી, રફીક ખાન, ઝાહિદા ખાન, વાજિબ અલી અને દાનિશ અબરાર છે. કેબિનેટ મંત્રી સાલે મોહમ્મદ દ્વારા ધારાસભ્યોને આપવામાં આવેલી દાવતમાં વેજ અને નોન વેજ બંને પ્રકારના પકવાના સામેલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઈદ ઉલ ફિત્ર બાદ ઈદ અલ અઝા એટલે કે બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો પર્વ છે. આ બંને પર્વ વખતે ઈદગાહ જઈને અથવા તો મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર પર શીર ખુરમા બનાવવાનો રિવાજ છે જ્યારે ઈદ અલ અઝા પર બકરા કે બીજા જાનવરોની કુરબાની આપવામાં આવે છે.