DA Hike: કેન્દ્ર સરકાર બાદ હવે રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે પણ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, "કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને ચૂકવવાપાત્ર મોંઘવારી રાહતદરને ત્રણ ટકા વધારવાને મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે હવે 1 જાન્યુઆરી, 2022 થી રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત દર ચૂકવવાપાત્ર થશે.
કેન્દ્રએ DA વધાર્યો
અગાઉ, કેન્દ્રીય કેબિનેટે 1 જાન્યુઆરી, 2022 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3% વધારાને મંજૂરી આપી છે. અગાઉ ઓક્ટોબર 2021માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારા બાદ ડીએ વધીને 34 ટકા થઈ જશે.
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખાં
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ સરકારે તેમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં કર્મચારીઓને છેલ્લા 3 મહિનાનું તમામ એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી વધુના એરિયર્સનો લાભ મળશે.
લાખો કર્મચારીઓને ફાયદો થશે
એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ પગલાથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે હોળી પહેલા જ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરશે, પરંતુ આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે.