Jodhpur News: પોતાના ગુરુકુળની સગીર વિદ્યાર્થીઓ સાથે યૌન શોષણના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા કાપી રહેલા આસારામે સજાને સ્થગિત કરવા માટે અરજી કરી હતી. આ અરજી પર આજે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ આસારામના વકિલ કોર્ટમાં ના પહોંચતાં સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આસારામ તરફથી સજા સ્થગિત કરવા માટે આ ત્રીજી વખત અરજી કરી છે. આ અરજી અંગે 24 મેના દિવસે થયેલી સુનાવણીમાં ખંડપીઠે સરકારી વકીલને પોતાનો જવાબ રજૂ કરવા માટે અંતિમ તક આપી હતી અને આજે તેમની તરફથી જવાબ રજૂ કરી દેવામાં આવ્યો હતો.


કોર્ટે સજા સ્થગિત કરે તો ગુજરાત પોલીસ ધરપકડ કરશેઃ
આસારામના વકિલ કોર્ટમાં ના પહોંચતાં સ્થાનિક વકિલે ખંડપીઠ સામે સુનાવણી સ્થગિત કરવાનો આગ્રહ  કર્યો હતો જે કોર્ટે માન્ય રાખ્યો હતો અને સુનાવણી સ્થગિત રાખી હતી. આ સાથે કોર્ટે ગુજરાતમાં આસારામ સામે ચાલી રહેલા રેપ કેસ અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો હતો. મહત્વનું છે કે, અરજીની સુનાવણી કરી રહેલી ખંડપીઠનું માનવું છે કે, ગુજરાતમાં આસારામ સામેના રેપ કેસમાં સુનાવણી ચાલી રહી છે. જો રાજસ્થાનમાં આસારામની સજાને સ્થગિત કરવામાં આવે અને આસારામ જેલમાંથી બહાર નિકળે તો ગુજરાત પોલીસ આસારામની ધરપકડ કરી લેશે. એવામાં આસારામની હાલની સજાને સ્થગિત કરવાનું કોઈ ઔચિત્ય નહી રહે. જેથી રાજસ્થાન કોર્ટે ગુજરાતમાં આસારામ સામે ચાલી રહેલા રેપ કેસ અંગેની સ્થિતિનો રિપોર્ટ માંગ્યો છે.


આ હતો કેસઃ
આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીનો આરોપ લગાવ્યો હતો કે, 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઈ ગામમાં સ્થિત ફાર્મ હાઉસમાં તેનું યૌન શોષણ કર્યું હતું. 20 ઓગસ્ટ 2013ના રોજ તેણે આસારામ વિરુદ્ધ દિલ્હીના કમલા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જોધપુરનો મામલો હોવાના કારણે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ માટે જોધપુર મોકલી હતી ત્યાર બાદ જોધપુર પોલીસે આસારામ વિરુદ્ધ એક સગીર સાથે યૌન શોષણનો કેસ નોંધ્યો હતો. જોધપુર પોલીસે આસારામની ઈન્દોરથી ધરપકડ કરી અને 31 ઓગસ્ટ, 2013ના રોજ તેને જોધપુર લાવી. ત્યારથી આસારામ જોધપુર જેલમાં બંધ છે. એપ્રિલ 2018 માં, કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને મૃત્યુ સુધી જેલની સજા સંભળાવી.