Rajasthan Political Crisis: રાજસ્થાનમાં અશોક ગેહલોતના સ્થાને અન્ય મુખ્યમંત્રી શપથ લઈ શકે છે. સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગેહલોત સીએમ પદ છોડવા માટે રાજી થઈ ગયા છે. એક રિપોર્ટ અનુસાર, અશોક ગેહલોત કોંગ્રેસના આગામી અધ્યક્ષ બની શકે છે. અગાઉ રાજસ્થાનમાં અશોક ગેહલોતના નજીકના સાથીઓએ બળવો કર્યો હતો, જ્યારે સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા શરૂ થઇ ત્યારે ગેહલોતનું સમર્થન કરતા અનેક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.






સોનિયા ગાંધી સાથે મુલાકાત


અશોક ગેહલોત આજે સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છે. આ બેઠક બાદ તેઓ ઉમેદવારી નોંધાવી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે ગેહલોત તરફથી મોટી શરત મૂકવામાં આવશે. ગેહલોત ઈચ્છે છે કે તેમના દ્વારા વિશ્વાસપાત્ર 102 ધારાસભ્યોમાંથી માત્ર એકને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે. સચિન પાયલટને સીએમ બનાવવા માટે ગેહલોત કોઈપણ કિંમતે તૈયાર નથી. એટલે કે જો હાઈકમાન્ડ સચિન પાયલટના નામ પર મહોર લગાવે છે તો રાજસ્થાનમાં બળવો થઈ શકે છે.


અંતિમ નિર્ણય સોનિયા ગાંધી લેશે


હવે સોનિયા ગાંધીએ નક્કી કરવાનું છે કે તેઓ અશોક ગેહલોતને અધ્યક્ષની રેસમાં રાખવા માંગે છે કે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેહલોત ગાંધી પરિવારના સૌથી નજીકના નેતાઓમાંના એક છે, તેથી તેમની સામે કોઈ મોટી કાર્યવાહી થાય તેવી આશા ઓછી છે પરંતુ ગેહલોતની સ્થિતિને લઈને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે સચિન પાયલટના સમર્થકો સતત માંગ કરી રહ્યા છે કે તેમને જવાબદારી સોંપવામાં આવે. આવી સ્થિતિમાં જો ગેહલોતના નજીકના વ્યક્તિને સીએમની ખુરશી આપવામાં આવે છે તો રાજસ્થાન કોંગ્રેસમાં હંગામો થઈ શકે છે. પાયલોટ પહેલેથી જ નારાજ છે, તેથી હવે પાર્ટી તેમને કોઈ પણ સંજોગોમાં નિરાશ કરવા માંગશે નહીં.


હાલ તમામ લોકો સોનિયા ગાંધીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. રાજસ્થાનમાં બળવો ભડકાવવાનો પ્રયાસ કરનારા ધારાસભ્યો અને મંત્રીઓ અંગે સોનિયા ગાંધી નિર્ણય લઇ શકે છે. આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સોનિયાને રિપોર્ટ સોંપ્યો હતો અને ગેહલોતના નજીકના લોકો સામે કડક કાર્યવાહીની વાત કરી હતી.