જયપુર: રાજસ્થાન હાઈકોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર આજની સુનાવણી પૂરી થઈ છે. આ મામલે હવે આગામી સુનાવણી 20 જૂલાઈ સવારે 10 વાગ્યે થશે. હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવતા મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધી બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી પર રોક લગાવી છે. એટલે કે 21 જૂલાઈ સાંજે પાંચ વાગ્યા સુધી વિધાનસભા સ્પીકર બળવાખોર ધારાસભ્યો પર કોઈ કાર્યવાહી નહી કરે.

મુખ્ય ન્યાયમૂર્તિ ઈન્દ્રજીત મહંતી અને ન્યાયમૂર્તિ પ્રકાશ ગુપ્તાની ખંડપીઠ સમક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વતી હરીશ સાલ્વેએ દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે વિધાનસભા બહાર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પક્ષપલટા વિરોધી કાયદાનું ઉલ્લંઘન માની શકાય નહીં.

આ સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે નોટિસ પર મંગળવારની સાંજે 5 વાગ્યા સુધીમાં વિધાનસભા સ્પીકર કોઈ જ કાર્યવાહી ન કરે. હવે સોમવાર 20 જુલાઈના રોજ આ કેસમાં કોર્ટ વધુ સુનાવણી હાથ ધરશે.

આ નોટિસ સચિન પાયલટ, રમેશ મીણા, ઈંદ્રાજ ગુર્જર, ગજરાજ ખટાના, રાકેશ પારીક, મરારી મીણા, પી.આર.મીણા, સુરેશ મોદી, ભંવર લાલ શર્મા, વેદપ્રકાશ સોલંકી, મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા, હરીશ મીણા, બૃજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, વિશ્વેન્દ્ર સિંહ, અમર સિંહ, દીપેંદ્ર સિંહ અને ગજેંદ્ર શક્તાવતને મોકલવામાં આવી હતી.