ચેન્નાઈ : જાણીતા અભિનેતા અને મક્કલ નિધિ મય્યમના સંસ્થાપક કમલ હાસને કહ્યું તેમની અને રજનીકાંતની મિત્રતા 44 વર્ષની છે. જો જરૂર પડશે તો અમે તામિલનાડુના લોકોના વિકાસ માટે એક સાથે આવી શકીએ છીએ. ઓરિસ્સાની સેંચૂરિયન યૂનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની પદવી મળ્યા બાદ ચેન્નઈ પરત ફરતા તેમણે આ વાત કરી હતી.


કમલ હાસનના આ નિવેદન પર સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું લોકોની ભલાઈ માટે કમલ હાસન સાથે આવવાની સ્થિતિ આવે છે તો અમે નિશ્ચિત રીતે એકસાથે આવશું. રજનીકાંત ઔપચારિક રૂપમાં રાજનીતિમાં ઉતરવાની જાહેરાત ગમે ત્યારે કરી શકે છે. કમલ હસનની પાર્ટી તો ચૂંટણી પણ લડી ચૂકી છે. જોકે રજનીકાંતે હજુ ઔપચારિક રીતે જાહેરાત કરી નથી. તમિલનાડુની રાજનીતિમાં હાલ પણ કોઈ મોટા નેતા નથી. ખાસ કરીને જયલલિતા અને કરુણાનિધિના ગયા પછી. આ બંને નેતાઓના ગયા પછી લોકોને કમલ હસન અને રજનીકાંત પાસે ઘણી આશા છે.

કમલ હસન અને રજનીકાંતને અલગ-અલગ વિચારધારાના માનવામાં આવે છે. હવે તે સાથે આવે તેવી સંભાવના છે. કમલ હાસનને જ્યારે આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે અમારી મિત્રતા 44 વર્ષથી છે. જો જરુર પડી તો અમે તમિલનાડુના વિકાસ માટે એકસાથે આવી શકીએ છીએ. 2017માં રજનીકાંતે જાહેરાત કરી હતી કે તે રાજકારણમાં એન્ટ્રી કરશે. પરંતુ તેમણે હજી સુધી પાર્ટીના નામની જાહેરાત નથી કરી.