નવી દિલ્હી: દેશના અનેક મોટા શહેર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યાં છે. પાટનગર દિલ્હીમાં પ્રદૂષણનું ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. જેના કારણે લોકોને પ્રદૂષણવાળી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે. ત્યારે સંસદના શીયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે લોકસભામાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠ્યો હતો. સદનમાં ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર માસ્ક પહેરીને પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા પોતાની વાત મુકી હતી.

પશ્ચિમ બંગાળના સાંસદ કાકોલીએ કહ્યું કે, જ્યારે આપણી પાસે ‘સ્વચ્છ ભારત મિશન’ છે તો શું આપણી પાસે ‘સ્વચ્છ હવા મિશન’ ના હોઈ શકે ? શું સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો અધિકાર સુનિચ્છિત ના કરી શકાય ? તેઓએ કહ્યું કે દિલ્હીમાં લોકો માસ્ક લગાવીને ફરી રહ્યાં છે. દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 9 શહેર ભારતમાં છે. જે ખૂબજ ચિંતાનો વિષય છે.

તેમણે કહ્યું ઝેરવાળી હવા આપણા ફેફસાને નુકશાન કરે છે જેના કારણે ઑક્સિજન આપણા લોહીમાં જતુ નથી. જેના બાદ ફેફસા બદલવાની સ્થિતિ ઉભી થાય છે. આ મામલો સીધો આર્થિક સમસ્યા સાથે પણ જોડાયેલો છે. આપણે મૉનિટર કરવું પડશે છે કે શું થઈ રહ્યું છે. માત્ર સૂચના આપવાથી કંઈ થવાનું નથી. પાવર પ્લાન્ટ પર આપણે કામ કરવું પડશે. સરકારે આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ. પ્રદૂષણને લઇને એક રાષ્ટ્રીય મિશન બનાવવું જોઈએ જેથી આપણે આવનારી પેઢીને સ્વચ્છ હવા આપી શકીશું. શું આપણો અધિકાર નથી કે આપણને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળે.

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે પણ પ્રદૂષનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે રાજ્યમાં ક્લાઈમેટ ઇમરજન્સી જેવી સ્થિતિ છે. દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત છે. આપણે પ્રદૂષણના નિવારણ માટે લાંબા ગાળાનો ઉકેલ શોધવો પડશે.