નવી દિલ્હી: યુદ્ધમાં ભોગ બનેલા સૈનિકોના પરિવારો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટો સહારો મળ્યો છે. સૈનિકોના પરિવારોને મળતી આર્થિક મદદમાં વધારો કરાયો છે. હવે યુદ્ધમાં ભોગ બનેલા સૈનિકના પરિવારને આર્થિક મદદ માટે 2 લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સેનાની માંગને સ્વીકારતા ભોગ બનેલા જવાનોના પરિવારને આપવામાં આવતી આર્થિક સહાયતાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી દીધી છે.


અધિકારીઓ જણાવ્યું કે આ આર્થિક સહયોગ યુદ્ધમાં ઘાયય કે શહિદ થનાર સૈનિકો માટે બનાવવામાં આવેલા સૈનિક કલ્યાણ ફંડ(એબીસીડબ્લ્યૂએફ) હેઠળ આપવામાં આવશે. હાલ યુદ્ધમાં શહીદ થનારા અને 60 ટકા કે તેથી વધુ વિકલાંગ થનારા સિવાય અન્ય શ્રેણીમાં આવતા સૈનિકોને બે લાખ રૂપિયા સુધી આર્થિક સહાયતા આપવામાં આવતી હતી.

આ સહાયતા પેન્શન, સેનાનો સામુહિક વીમો, સેના કલ્યાણ ફંડ સિવાય આપવામાં આવે છે. રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, રક્ષા મંત્રીએ યુદ્ધમાં ભોગ બનનારાની તમામ શ્રેણીના પરિવારનો આપવામાં આવતી મદદ બે લાખથી વધારીને આઠ લાખ રૂપિયા કરવાની મંજૂરી આપી દીધી છે.