નવી દિલ્લી: કાશ્મીર ઘાટીની પરિસ્થિતિને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે ગઈકાલે જવાનોને નિર્દેશ કર્યો છે કે યુવાઓને ભડકાવનારાઓને છોડવાના નથી. તેમના વિરુદ્ધ સખ્તાઈથી વર્તવાનું છે. તેમ છતાં જવાનોએ સાત દિવસોમાં પરિસ્થિતિને સામાન્ય કરવા માટે પણ કહ્યું છે.
રવિવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે એનએસએ અજીત ડોભાલ અને સુરક્ષા અધિકારીઓની સાથે બેઠકમાં કડકાઈનો નિર્દેશ આપ્યો છે. સરકાર પાસે એવા અહેવાલ પણ છે કે બુરહાન વાનીના ઠાર મરાયા પછી દક્ષિણ કાશ્મીરમાંથી 80 યુવકો ગાયબ છે. શંકા એવી પણ સેવવામાં આવી રહી છે કે આ યુવકો આતંકી ગ્રુપની સાથે જોડાઈ ચૂક્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રીએ કહ્યું કે, સુરક્ષા દળોએ કાશ્મીર ઘાટીમાં હિંસા ભડકાવનાર લોકો ઉપર કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે અને તેમના વિરુદ્ધ કેસ કરવાનું કહ્યું છે. કારણ કે, આવા લોકો છેલ્લા 65 દિવસોથી સામાન્ય જનજીવનને ખોરવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, 8 જુલાઈએ હિજ્બુલ મુઝાહિદ્દીનનો કમાંડર બુરહાન વાનીને ઠાર મરાયા પછી ઘાટીમાં અશાંતિ વ્યાપેલી છે. ત્યારે રાજનાથે કહ્યું છે કે, એક અઠવાડિયાની અંદર સામાન્ય સ્થિતિ બનાવવાની છે અને સ્કુલ અને શૈક્ષણિક સંસ્થાઓને કામ કરવા દેવું જોઈએ. કારણ કે લાંબા સમય સુધી ચાલી રહેલા આ સંકટમાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને થયું છે.
ગૃહમંત્રીએ અધિકારીઓને કહ્યું છે કે, દુકાનો અને અન્ય વેપાર ધંધાઓને ફરીથી ખોલાવવાની કોશિશ કરવી જોઈએ. રાજનાથે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિઓની સમીક્ષા કરી હતી. આજે કાશ્મીરમાં થયેલી બે અલગ-અલગ અથડામણમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, અને ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા હતા.