કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF પર થયેલા આતંકી હુમલાના બીજા દિવસે દેશના ગૃહ મંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. રાજનાથ સિંહે શહીદોના પાર્થિવ દેહને કાંધ આપી હતી. રાજનાથ સિંહે આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનો જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમની મુલાકાત લીધી હતી. સુરક્ષા દળો, સ્થાનિક પ્રસાશન અને રાજ્યપાલ સાથે રાજનાથસિંહે મીટિંગ કર્યા બાદ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે અમુક લોકો પાકિસ્તાન અને ISI પાસેથી પૈસા લઈ રહ્યાં છે અને આ પ્રકારના કાવતરામાં સામેલ છે, તેમની સુરક્ષાની તપાસ કરવામાં આવશે.


રાજનાથ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, હું વિશ્વાસ અપાવું છું કે ભારત સરકાર અને જમ્મુ કાશ્મીરની સરકાર શહીદોના પરિવાર સાથે છે. આજે અધિકારીઓ અને રાજ્યપાલ સાથે બેઠક થઈ હતી. આર્મી, પોલીસ અને કેટલાક સુરક્ષા દળોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

રાજનાથ સિંહે વધુમાં કહ્યું, સુરક્ષાદળોનું મનોબળ મજબૂત છે. આતંકવાદ વિરુદ્ધ અમારી નિર્ણાયક લડાઈમાં દેશ સાથે છે. જમ્મુ કાશ્મીરને પ્રજાને વિશ્વાસ અપાવે છે અમે સરહદ પારના આતંકવાદના મનસૂબા સફળ નહીં થવા દઈએ. આઈએસઆઈ, આતંકવાદી સંગઠનમાં કેટલાક સ્થાનિકો સમાવિષ્ઠ છે. આ લોકો જમ્મુ કાશ્મીરના લોકોના ભવિષ્ય સાથે રમત કરી રહ્યાં છે.