Iran-US War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને તાજેતરના યુદ્ધવિરામ વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. જર્મનીના પ્રવાસે ગયેલા રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો અને ભવિષ્યમાં પણ ભારત આ મામલે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના નેતાઓ સાથે ફોન પર વાત પણ કરી હતી. બીજી તરફ, 8 એપ્રિલે જાહેર થયેલા યુદ્ધવિરામ બાદ ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે થયેલી શાંતિ વાટાઘાટો કોઈ પરિણામ વિના પૂરી થઈ છે અને આગળની બેઠક મુલતવી રહેતા અમેરિકાએ યુદ્ધવિરામનો સમય અનિશ્ચિત મુદત માટે લંબાવી દીધો છે.
જર્મનીમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન
જર્મનીમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે રાજનાથ સિંહને પૂછવામાં આવ્યું કે શું પશ્ચિમ એશિયાની આ કટોકટીમાં ભારત શાંતિ દૂત બની શકે? ત્યારે તેમણે બહુ જ બેલેન્સ્ડ જવાબ આપતા કહ્યું, "ભારતે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. પણ તમે જાણો છો કે જ્યારે કોઈ કટોકટી હોય, ત્યારે સમસ્યાઓ પણ હોય છે. દરેક વસ્તુ માટે એક યોગ્ય સમય હોય છે." તેમણે ઈશારો કર્યો કે કદાચ કાલે એવો સમય આવે જ્યારે ભારત આમાં સફળતાપૂર્વક પોતાની ભૂમિકા ભજવે. આપણે આ શક્યતાને નકારી શકીએ નહીં.
પીએમ મોદીએ બંને દેશોના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
રક્ષા મંત્રીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ જાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ બંને નેતાઓને યુદ્ધ ખતમ કરવા માટે અપીલ કરી હતી. રાજનાથ સિંહે ઉમેર્યું કે ડિપ્લોમસી (રાજદ્વારી બાબતો)માં પીએમ મોદીનો અભિગમ હંમેશાં ખૂબ જ સંતુલિત રહ્યો છે.
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલી વાટાઘાટો, પણ પરિણામ શૂન્ય
તમને જણાવી દઈએ કે 8 એપ્રિલના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી. આ પછી પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવી રહ્યા છે. જેના ભાગરૂપે 11 અને 12 એપ્રિલે બંને દેશોના પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. અમેરિકા તરફથી જે.ડી. વાન્સ અને ઈરાન તરફથી એમ.બી. ગાલિબાફે આગેવાની લીધી હતી. બંને પક્ષો વચ્ચે સતત 21 કલાક સુધી લાંબી ચર્ચા ચાલી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. આખરે જે.ડી. વાન્સે એક નાનકડી પ્રેસ કોન્ફરન્સ કરી અને સીધા વોશિંગ્ટન રવાના થઈ ગયા.
બીજા રાઉન્ડની વાતચીત મુલતવી, ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવ્યો
પહેલા રાઉન્ડની વાતચીત ભલે નિષ્ફળ રહી, પણ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના પ્રયાસોના વખાણ કર્યા હતા. આ પછી અસીમ મુનીર તેહરાન ગયા અને બંને દેશોને ફરી ટેબલ પર લાવવા રાજી કર્યા. પરંતુ વાતચીતના બીજા રાઉન્ડમાં ઈરાનનું પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું જ નહીં, જેને કારણે અમેરિકન ટીમ પણ ત્યાં ગઈ નહીં અને મંત્રણા મુલતવી રહી ગઈ. જોકે, આ બધાની વચ્ચે રાહતના સમાચાર એ છે કે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની વિનંતીને માન આપીને ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામને અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો છે, જેથી ઈરાન કોઈ નક્કર પ્રસ્તાવ સાથે ફરીથી વાતચીત માટે તૈયાર થઈ શકે.
