Rajasthan : રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે અહીં ત્રણ બેઠકો જીતી છે. રાજ્યસભાની ચૂંટણીમાં રણદીપ સુરજેવાલાને 43 વોટ મળ્યા જ્યારે મુકુલ વાસનિકને 42 વોટ મળ્યા. વાસનિકના ખાતા પરનો એક મત રદ્દ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા હતા. પ્રમોદ તિવારીને 41 મત મળ્યા હતા. તો સામે ડૉ. સુભાષ ચંદ્રના ખાતામાં 30 મત આવ્યા. ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી જતાં કોંગ્રેસ છાવણીમાં ખુશીનો માહોલ છે.


કોંગ્રેસની જીત લોકશાહીની જીત : મુખ્યમંત્રી ગેહલોત
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત લોકશાહીની જીત છે. હું ત્રણેય નવા ચૂંટાયેલા સાંસદો  પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે ત્રણેય સાંસદો દિલ્હીમાં રાજસ્થાનના અધિકારોની જોરદાર હિમાયત કરી શકશે.


ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા
રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસે ત્રણ બેઠકો માટે મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને રણદીપ સુરજેવાલાને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)એ પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા અને આ સાથે એક બેઠક ભાજપને મળી


તમામ 200 ધારાસભ્યોએ મતદાન કર્યું
રાજસ્થાનના તમામ 200 ધારાસભ્યોએ શુક્રવારે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યું. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ સ્વીકાર્યું કે એક ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ વિધાનસભાની બહાર નીકળતી વખતે પત્રકારો સાથે વાત કરતા કટારિયાએ કહ્યું હતું કે, જ્યારે અમારી પાસે માત્ર એક બેઠક જીતવા માટે બહુમતી છે ત્યારે અમે બે બેઠકો કેવી રીતે જીતી શકીએ? અમે કંઈ ગુમાવ્યું નથી. જ્યાં સુધી ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગનો સંબંધ છે, પક્ષ વ્હીપના ઉલ્લંઘન સામે પગલાં લેશે.