અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે.રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર અને ઉદયપુર લઈ જવાશે. સાંજે 7.00 કલાક સુધીમાં કોંગ્રેસના એક ડઝન જેટલા ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને જયપુર જવા રવાના થયા હતા. રાત્રે 9.30ની આસપાસ તેઓ જયપુર પહોંચ્યા હતા.
કોંગ્રેસના આ ધારસભ્યો ગયા જયપુર -લાખા ભરવાડ, વિરમગામ ધારાસભ્ય -હર્ષદ રિબડીયા, વિસાવદર ધારાસભ્ય -પુનમ પરમાર, સોજીત્રા ધારાસભ્ય -ગેનીબેન ઠાકોર, વાવ ધારાસભ્ય -ચિરાગ કાલરીયા, જામજોધપુર ધારાસભ્ય -ચંદનજી ધારાસભ્ય, સિદ્ધપુર ધારાસભ્ય -ઇંદ્રજીત ઠાકોર, મહુધા ધારાસભ્ય -હિંમતસિંહ પટેલ , બાપુનગરધારાસભ્ય -બળદેવજી ઠાકોર, કલોલ ધારાસભ્ય - ઋત્વિક મકવાણા. ચોટીલા ધારાસભ્ય - અજીતસિંહ ચૌહણ, બાલાસિનોર ધારાસભ્ય - નાથા પટેલ, ધાનેરા ધારાસભ્ય - રાજેશ ગોહિલ, ધંધુકા ધારાસભ્ય આ ઉપરાંત 4 થી 5 ધારાસભ્યો બાય રોડ જયપુર પહોંચશે. બે દિવસ સુધી જયપુરમાં રોકાણ કર્યા બાદ ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ એક-બે દિવસમાં જયપુર પહોંચશે. કોંગ્રેસ પાસે હાલ વિધાનસભામાં 73 ધારાસભ્ય છે. જેમાંથી 50ને રાજસ્થાન, 15થી 18ને ગુજરાતમાં જ્યારે અન્ય પાંચ સભ્યોને એક વિશ્વાસુના રિસોર્ટમાં લઈ જવાશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના જયપુરમાં કોરોના વાઈરસના બે પોઝિટીવ કેસ પણ સામે આવી ચૂક્યા છે. આ બંને ઇટાલીના નાગરિક હતા. જેથી કોરોનાને લઈ કોંગ્રેસના ધારાસભ્યોને સાવચેતી રાખવી પડશે. 2017માં પણ કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઈ ગઈ હતી.