અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાજો.  દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર -ઠેર રામયાત્રા અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં મંદિરો  રોશનીથી શણગારવામાં આવ્યા છે. શહેરો હોય કે ગામ દરેક  જગ્યાએ ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.  500 વર્ષથી રામ મંદિરની રાહ જોઇ રહ્યા હતો તેની આતુરતાનો અંત આજે આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ દેશભરમાં આતશબાજી કરવામાં આવી હતી. 






રામ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો  છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. 


500 વર્ષથી વધુની રાહનો અંત આવતાં જ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનો અભિષેક પૂર્ણ થયો છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન છે. જ્યાં તેમની આરતી ઉતારવામાં આવી હતી. અભિષેક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દંડવત પ્રણામ કર્યા હતા.  ભગવાન રામના અભિષેકના આ ખાસ અવસર પર દેશ અને દુનિયામાં ઉજવણીનો માહોલ છે. દેશ અને દુનિયામાં દિવાળીની ઉજવણી થઈ રહી છે.






વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રામ અગ્નિ નહી પરંતુ ઊર્જા છે. તેમણે કહ્યું કે રામ વિવાદ નથી, પરંતુ સમાધાન છે. પીએમ મોદીએ કહ્યું કે રામ ભારતની આસ્થા છે, રામ ભારતનો આધાર છે, રામ ભારતનો વિચાર છે, રામ ભારતનું વિધાન છે, રામ ભારતનું ચિંતન છે, રામ ભારતની પ્રતિષ્ઠા છે. રામ ભારતનો પ્રતાપ છે. રામ પ્રભાવ છે, રામ પ્રવાહ છે, રામ નિતિ પણ છે, રામ નિત્યતા છે, રામ નિરંતરતા પણ છે. રામ વ્યાપક છે. તેથી જ્યારે રામની પ્રતિષ્ઠા થાય છે તો તેનો પ્રભાવ સદીઓ સુધી ટકતો નથી, તેની અસર હજારો વર્ષો સુધી રહે છે.



કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સિયાવર રામચંદ્ર કી જય! આપ સૌને નમસ્કાર, સૌને રામ-રામ! આજે આપણા રામ આવ્યા છે. તેમણે કહ્યું કે સદીઓની રાહ જોયા બાદ આપણા રામ આવ્યા છે. સદીઓની અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું દિવ્ય ચેતનાના સાક્ષી તરીકે ગર્ભગૃહમાં તમારી સમક્ષ હાજર થયો છું.


આપણા રામલલા હવે તંબુમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. હું દ્રઢપણે માનું છું અને અતૂટ શ્રદ્ધા રાખું છું કે જે કંઈ પણ થયું છે, દેશના અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા રામ ભક્તો તેને અનુભવતા જ હશે. આ ક્ષણ અલૌકિક છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે. આ વાતાવરણ, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે.


પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ કાર્ય દૈવી આશીર્વાદ અને દિવ્ય આત્માઓના કારણે પૂર્ણ થયું છે. હું પણ આ તમામ દિવ્ય ચેતનાઓને નમન કરું છું. આજે હું ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું. આપણા પ્રયત્નોમાં, આપણા ત્યાગ અને તપમાં કંઈક તો કમી હોવી જોઈએ કે આપણે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન રામ આજે આપણને ચોક્કસ માફ કરશે. લાંબા સમયથી અલગ રહેવાથી સર્જાતી સમસ્યાનો અંત આવ્યો છે.