Ram Mandir Pran Pratishtha: રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામા આવશે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેઇનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. આની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ તેમનું આસન પણ તૈયાર કરવામાં આવ્યું છે. રામલલાનુ આસન 3.4 ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે.
રામલલાની મૂર્તિને વિવેક સૃષ્ટિ ટ્રસ્ટ તરફથી એક ટ્રકમાં રામ મંદિર લઈ જવામાં આવી હતી. મૂર્તિને મંદિર પરિસરની અંદર લઈ જવા માટે ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂર્તિને ગુરુવાર (18 જાન્યુઆરી)ના રોજ ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે.
આ પહેલા ભગવાન રામલલાની મૂર્તિ લઈને જતી ટ્રક રસ્તામાં જ્યાં પણ પસાર થઈ ત્યાં લોકો શ્રી રામનો જયઘોષ કરવા લાગ્યા. મૂર્તિને લઈ જતી વખતે ઘણી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે 22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
એક સંતે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, "અમે ખૂબ જ ખુશ છીએ. અમારું સપનું આજે જ પૂરું થયું છે. હવે ફરી રામ સામ્રાજ્ય આવશે.
રામલલાની પ્રતિકાત્મક ચાંદીની મૂર્તિને મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર, અભિજીત મુહૂર્તમાં તમામ શાસ્ત્રીય પરંપરાઓનું પાલન કરીને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી શુભ વિધિઓ ચાલુ રહેશે.
મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપેલી માહિતી અનુસાર, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે. તેમણે કહ્યું કે એક વાગ્યા સુધીમાં તે પૂર્ણ થવાની સંભાવના છે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામલલાના મંદિરમાં ગર્ભગૃહ હશે, અહીં પાંચ મંડપ હશે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. જોકે, તેમણે કહ્યું કે મંદિરના પહેલા માળે હજુ પણ થોડું કામ બાકી છે. અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ ધાર્મિક વિધિઓ માટે છે. અહીં વિવિધ પ્રકારના યજ્ઞો અને અનુષ્ઠાન થશે. તેમણે કહ્યું કે શુભ સમય 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે હશે. આ પહેલા પૂજા વિધિ શરૂ કરવામાં આવશે