Ram Rahim Latest News: રેપ કેસમાં જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવવાનો છે. રામ રહીમને 21 દિવસની પેરોલ મળી છે. રામ રહીમ યુપીના બાગપતના બરનવા આશ્રમમાં 21 દિવસ વિતાવશે. ડેરા ચીફની સાથે તેની દત્તક પુત્રી હરિપ્રીત પણ જાય તેવી શક્યતા છે. પેરોલ મળ્યા બાદ તેમના અનુયાયીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી અને આશ્રમમાં તેમના આગમનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. 




બીજી તરફ રામ રહીમના જેલમાંથી પરોલ પર બહાર આવવાને લઈ તેને હરિયાણામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ડેરા સચ્ચા સૌદા આશ્રમના પ્રવક્તા જિતેન્દ્ર ખુરાનાએ કહ્યું કે તેમને મીડિયા તરફથી એવી પણ માહિતી મળી છે કે 21 દિવસની ફર્લો મંજૂર કરવામાં આવી છે. ઈન્સ્પેક્ટર બિનૌલી એમપી સિંહે જણાવ્યું કે રોહતક જેલના સુપ્રિટેન્ડેન્ટે આ સંબંધમાં અનેક મુદ્દાઓ પર રિપોર્ટ માંગ્યો હતો, જે મોકલવામાં આવ્યો હતો.  



રામ રહીમ પાંચમી વખત બહાર આવી રહ્યો છે


ડેરા ચીફ ગુરમીત સિંહને પહેલીવાર 17 જૂન 2022ના રોજ 30 દિવસની પેરોલ મળી હતી. આ પછી તેઓ બર્નવા આશ્રમમાં રહ્યા. 18મી જુલાઈના રોજ સુનારિયા જેલમાં પાછો ગયો. 88 દિવસ બાદ 15 ઓક્ટોબરે તેને બીજી વખત પેરોલ મળ્યો હતો. 25 નવેમ્બરે તે પાછો સુનારિયા જેલમાં ગયો. 21 જાન્યુઆરી, 2023 ના રોજ, ગુરમીત સિંહ ત્રીજી વખત 40 દિવસ માટે પેરોલ પર બર્નવા આશ્રમ આવ્યો. 3 માર્ચે પેરોલ પૂર્ણ કર્યા બાદ તે પાછો સુનારિયા જેલમાં ગયો હતો. ચોથી વખત ડેરા ચીફ 30 દિવસના પેરોલ પર 20મી જુલાઈએ બર્નવા આશ્રમ પહોંચ્યો હતો. જે બાદ તે જેલમાં ગયો હતો.


ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત સિંહ રોહતકની સુનારિયા જેલમાં બળાત્કારના કેસમાં સજા કાપી રહ્યો છે. આ વખતે ડેરા ચીફના જેલમાંથી બહાર આવવા પાછળ રાજકીય અસરો પણ જોવા મળી રહી છે કારણ કે આવતા વર્ષે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આ જ કારણ છે કે ફર્લોની મંજૂરીને હરિયાણા વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.


સીબીઆઈની વિશેષ કોર્ટે ઓગષ્ટ 2017માં રામ રહીમને 2 સાધ્વીઓ સાથેના દુષ્કર્મ કેસમાં સજા સંભળાવી હતી. બાદમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ અને રણજીત હત્યાકાંડમાં પણ સજા થઈ હતી.  


ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહે માત્ર ધાર્મિક ઉપદેશો જ આપ્યા નથી પરંતુ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે, અને સ્ટેજ પર પણ પર્ફોર્મન્સ આપ્યું છે. 50 વર્ષીય આ બાબાને 25 ઓગસ્ટ 2017ના રોજ બળાત્કારના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 


સજા બાદ સમગ્ર હરિયાણા રાજ્યમાં રમખાણો થયા હતા, ખાસ કરીને પંચકુલા અને સિરસામાં, જ્યાં તેમના અનુયાયીઓ નિરાશ થઈ ગયા હતા. ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ આનંદ વિહાર ટર્મિનલ ખાતે સ્થિર ટ્રેનને આગ ચાંપી દેતાં હિંસા રાષ્ટ્રીય રાજધાનીને પણ સ્પર્શી ગઈ હતી.