મુંબઇઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ મુંબઇ પોલીસ પર એક્ટ્રેસ કંગના રનૌતે ટિપ્પણી કરી હતી. ત્યારબાદથી જ મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી શિવસેના અને કંગના વચ્ચે નિવેદનબાજી જોવા મળી રહી છે. આ વચ્ચે કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલે કંગનાને મળવા મુંબઇમાં તેના ઘરે પહોંચ્યા હતા.




રામદાસ અઠાવલે અને કંગના વચ્ચે લગભગ એક કલાક મુલાકાત ચાલી હતી. મુલાકાત બાદ રામદાસ અઠાવલેએ કહ્યું કે, કંગનાને મળ્યા બાદ મે તેને કહ્યું કે, મુંબઇમાં તેને ડરવાની જરૂર નથી. મુંબઇ બધાની છે. કંગના સાથે મારી પાર્ટી હંમેશા રહેશે. કંગના રાષ્ટ્રવાદી યુવતી છે.



રામદાસ અઠાવલેએ કહ્યું કે, કંગનાએ જણાવ્યું કે, તેની ઓફિસની અંદર તોડફોડ કરવામાં આવી છે. તેની ઓફિસમાં ફર્નિચરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કંગનાએ ભારે નુકસાનની વાત કરી છે. જોકે,કંગનાએ હવે ડરવાની જરૂર નથી.

અઠાવલેએ કહ્યું કે, કંગના જ્યાં સુધી ફિલ્મોમાં કામ કરી રહી છે ત્યાં સુધી તેને રાજનીતિમાં આવવામાં રસ નથી.