Samajwadi Party Leader Azam Khan: સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો કિલ્લો કડડભુસ થઈ ગયો છે. રામપુરમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અસીમ રાજાનો કારમો પરાજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીના આકાશ સક્સેનાએ સપાના અસીમ રાજાને 33 હજારથી વધુ મતોથી હરાવતા આઝમ ખાનને જોરદાર ઝાટકો લાગ્યો છે. રામપુરના લોકોએ 6 મહિનામાં બીજી વખત આઝમ ખાનને આંચકો આપ્યો છે. અગાઉ જૂનમાં યોજાયેલી લોકસભા પેટાચૂંટણીમાં પણ સપાના ઉમેદવાર અસીમ રાજાનો પરાજય થયો હતો. તેમને ભાજપના ઘનશ્યામ લોધીએ 40 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.


રામપુર સીટ પર સૌથી ઓછું 33.94 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આજે મતગણતરી શરૂ થઈ ત્યારે ભાજપના ઉમેદવાર આશિષ સક્સેનાએ સપાના ઉમેદવારો અઝીમ રઝા અને આઝમ ખાનને નિશાન બનાવ્યા હતા. તેમણે અઝીમને આઝમ ખાનની કઠપૂતળી કહ્યા હતા. તેમજ આશિષ સક્સેનાએ રામપુરમાં જીતનો દાવો કર્યો હતો. આ સાથે જ આસિમ રજાએ પ્રશાસન પર આરોપ લગાવ્યો હતો કે અઢી લાખ લોકોને મત જ નથી આપવા દેવામાં આવ્યા. રામપુરમાં ચૂંટણી યોજવા દેવામાં આવી નથી. રઝાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, અમે ચૂંટણી જીતી નહીં શકીએ અને આટલું કહીને તેઓ મતગણતરી સ્થળની બહાર આવી ગયા હતાં.


ઉલ્લેખનીય છે કે, આ આઝમ ખાનની પરંપરાગત બેઠક રહી છે અને તેના પરિણામ પર પ્રદેશની સાથો સાથ દેશના લોકોની પણ નજર હતી. આઝમ ખાનની વિધાનસભા સદસ્યતા રદ થયા બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. આમ પેટાચૂંટણી આઝમ ખાન માટે પ્રતિષ્ઠાનો જંગ હતી. પરંતુ અહીં ભાજપે મોટી જીત નોંધાવીને સમાજવાદી પાર્ટી તેમજ આઝમ ખાનને મોટો ઝટકો આપ્યો છે.


ભડકાઉ ભાષણના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ આઝમ ખાને તેમની વિધાનસભા ગુમાવી હતી. ત્યાર બાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પેટાચૂંટણી દરમિયાન સપાએ આરોપ લગાવ્યો કે પોલીસે એક ચોક્કસ વર્ગના મતદારોને બૂથમાં પ્રવેશવા દીધો ન હતો. પોલીસે શેરીઓમાં બેરિકેડ લગાવ્યા હતા જ્યાંથી મતદારોને બહાર જ નહોતા નિકળવા દેવામાં આવ્યા. જે મતદારો બૂથ પર પહોંચ્યા હતા તેઓને એમ કહીને પાછા ફેરવવામાં આવ્યા હતા કે તેમની પાસે તેમની ઓળખ સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ નથી. જેને લઈને મતદારોને રોકવાને લઈને સપા ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ અને એએસપી ડૉ. સંસાર સિંહ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જોકે, પોલીસે આ આરોપોને સદંતર ફગાવી દીધા હતા. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપે સીટ જીતતી હોવાનો દાવો કર્યો હતો. 


આઝમ ખાન અને યોગી સરકાર વચ્ચેની ખેંચતાણને જોતા આ ચૂંટણી સપાની સાથે આઝમ ખાનની પ્રતિષ્ઠા માટે પણ ઘણી મહત્વની માનવામાં આવતી હતી. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ચૂંટણી જીતી બતાવી આઝમ ખાનને જોરદાર આંચકો આપ્યો છે. 


આ વિધાનસભા સીટ પર આઝમ ખાનનું વર્ચસ્વ હતું. વર્ષ 1980 પછી યોજાયેલી ચૂંટણીમાં આ સીટ પર આઝમનો દબદબો સતત જોવા મળ્યો હતો. 1996ની વિધાનસભા ચૂંટણીને બાદ કરતા આઝમ ખાન 10 વખત આ સીટ જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ આખરે ભાજપે રામપુર બેઠક જીતી લઈ આઝમ ખાનની રાજકીય કારકિર્દી પર જ પૂર્ણવિરામ મુકી દીધું છે.