Jaya Prada News: રામપુરના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે જ્યારે પૂર્વ સાંસદ જયા પ્રદા કોર્ટમાં હાજર ન થયા ત્યારે રામપુર કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું. હવે આ મામલામાં આગામી સુનાવણી 21 ઓક્ટોબરે થવાની છે, જેમાં પૂર્વ સાંસદે હાજર થવાનું રહેશે.                      


આ આખો કેસ વર્ષ 2019નો છે, ત્યારે 19 એપ્રિલે જયા પ્રદા રામપુરના સ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નૂરપુર પહોંચ્યા હતા. દરમિયાન, લોકસભા ચૂંટણીને કારણે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. જો કે જયાપ્રદાએ એક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે તેમની સામે આદર્શ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો હતો.                                  


આ કેસ ફ્લાઈંગ સ્ક્વોડ મેજિસ્ટ્રેટ-34 સ્વાર ડૉ. નીરજ કુમાર પરાશરીએ દાખલ કર્યો હતો. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યાર બાદ આ કેસની સુનાવણી સતત સ્પેશિયલ એમપી-એમપીએલ કોર્ટ (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે. હવે સોમવારે (16 ઓક્ટોબર) જયા પ્રદા કોર્ટમાં હાજર થઇને આ કેસમાં તેમનું નિવેદન નોંધવાના હતા, પરંતુ તેઓ કોર્ટમાં હાજર ન થવાને કારણે કોર્ટે તેમની સામે બિન જામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યું છે. હવે કોર્ટે 21મી ઓક્ટોબરે હાજર થવા કડક સૂચના આપી છે.                                


નોંધનીય છે કે જયા પ્રદા 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ જયા પ્રદાએ સપા નેતા મોહમ્મદ આઝમ ખાન સામે ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે જયા પ્રદાએ 2004ની લોકસભા ચૂંટણી રામપુર સીટથી સપાની ટિકિટ પર લડી હતી અને આ ચૂંટણી તેમણે 85,000થી વધુ મતથી જીતી હતી. આ પછી તેઓ 2009ની ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા.