Ratan Tata News: ટાટા જૂથના માનદ ચેરમેન અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાએ રાત્રે 11.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.






રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને ઓટો ક્ષેત્રના દિગ્ગજ આનંદ મહિન્દ્રા સહિત ઘણા ઉદ્યોગપતિઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રતન ટાટાને યાદ કરતા લખ્યું - 'દેશનું અમૂલ્ય રત્ન ખોવાઈ ગયું'. રતન ટાટા ભારતનું ગૌરવ હતા, તેઓ હંમેશા આવનારી પેઢીના ઉદ્યોગપતિઓ માટે રોલ મોડેલ રહેશે.






ટાટા પરિવાર તરફથી નિવેદન


ટાટાના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે - તેમના ભાઈ, બહેન અને પરિવાર, એ તમામ લોકો તરફથી મળેલા પ્રેમ અને સન્માનથી સાંત્વના અને શાંતિ મેળવીએ છીએ, જે તેમનું સન્માન કરતા હતા. જો કે રતન ટાટા હવે વ્યક્તિગત રીતે આપણી સાથે નથી પરંતુ તેમની વિનમ્રતા, ઉદારતા અને ઉદેશ્યનો વારસો ભાવિ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાને તેમના મિત્ર અને માર્ગદર્શક ગણાવ્યા હતા.






ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આપણે રતન નવલ ટાટાને દુઃખ સાથે વિદાય આપી રહ્યા છીએ. તેઓ વાસ્તવમાં એક અસાધારણ નેતૃત્વકર્તા હતા. જેમના અતુલનીય યોગદાને ટાટા ગ્રુપ જ નહી પરંતુ આપણા રાષ્ટ્રના પણ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.


મીઠાથી માંડીને સોફ્ટવેર વેચ્યું


રતન ટાટા માર્ચ 1991 થી ડિસેમ્બર 2012 દરમિયાન મીઠાથી લઇને સોફ્ટવેર બનાવતી કંપની 'ટાટા સન્સ'ના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 2012 સુધી ગ્રુપનું શાનદાર નેતૃત્વ કર્યું. ટાટા ગ્રુપને ઉંચાઈ પર લઈ જવામાં રતન ટાટાએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રતન ટાટાને દેશ હંમેશા એક ઉદાર વ્યક્તિ અને એક ઉદ્યોગપતિ તરીકે યાદ રાખશે જેઓ મુશ્કેલીમાં દેશ માટે હંમેશા તત્પર રહેતા હતા.