નવી દિલ્હી: ચીન સાથે લદાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા, પરંતુ ચીની સેનાને તેનાથી બે ગણુ નુકસાન થયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કરતા કહ્યું કે, “ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો કોઈ ભારત તરફ ખરાબ નજર નાખશે તો દેશ તેને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. આપણે દેશના 20 સૈનિકોને ગુમાવ્યા છે તો, ચીનમાં આ સંખ્યા બેગણી છે. સૌએ જોયું છે કે, ચીન સંખ્યા નથી જણાવી રહ્યું.”


તેઓએ વધુમાં કહ્યું, હાલમાં માત્ર બે C સંભળાય રહ્યા છે, એક કોરોના અને બીજો ચીન. કેન્દ્રીય મંત્રી પશ્ચિમ બંગાળમાં એક ડિજીટલ રેલીને સંબોધન કરી રહ્યાં હતા તે દરમિયાન કહ્યું હતું.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આપ સૌને યાદ હશે કે ઉરી અને પુલવામાનો બદલો આપણે કઈ રીતે લીધો હતો. જ્યારે આપણા પ્રધાનમંત્રી કહે છે કે બલિદાન વ્યર્થ નહીં જાય તો તેનો કંઈક મતલબ હોય છે.

આ ઉપરાંત તેણે સવાલ કર્યો કે, ટીએમસી ચીની એપ્સ પર પ્રતિબંધનો વિરોધ શા માટે કરી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સરકારના આ પગલાને ચીન પર ડિજિટલ સ્ટાઈક ગણાવ્યા છે. પ્રસાદે કહ્યું, કે, અમે દેશવાસીઓના ડેટાને સુરક્ષિત રાખવા માટે ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો, આ એક ડિજિટલ સ્ટ્રાઈક છે.