સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે તેલંગાણાના નિઝામાબાદમાં રહેતી એક મહિલા શિક્ષક પ્રદેશમાં લાગુ સખત લોકડાઉન વચ્ચે પોતાના એક સાહસપૂર્ણ કામના કારણે ચર્ચામાં આવી છે. નિઝામાબાદના બોઘાનમાં એક સ્કૂલમાં ભણાવતી રઝિયા બેગમ લોકડાઉનના કારણે આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ફસાયેલા પોતાના દિકરાને ઘરે પરત લાવવા માટે પોતાની સ્કૂટી પર જ નીકળી પડી હતી. આશરે 1400 કિલોમીટરના અંતર સ્કૂટી પર જ કાપ્યા બાદ આખરે તે પોતાના દિકરાને ઘરે પરત લાવવામાં સફળ રહી હતી.

રઝિયાએ લોકડાઉનમાં બહાર નીકળવા માટે પોલીસની પરવાનગી લીધી હતી. નેલ્લોર પહોંચવા સુધી તેણે રસ્તામાં ઘણી વાર રોકાવુ પડ્યુ હતું. આ દરમિયાન તેણે સ્થાનિક અધિકારીઓને મનાવતા નેલ્લોર સુધીની યાત્રા કરી હતી.

તેણે કહ્યું હતું કે, આ તેના માટે સરળ ન હતું. હકીકતમાં રઝિયાનો દિકરો નિઝામુદ્દીન હૈદરાબાદમાં એક કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરે છે. તે ઈંટરમીડેટનો વિદ્યાર્થી છે. ગત મહિને નિઝામુદ્દીન નેલ્લોરમાં રહેતા એક મિત્ર સાથે પોતાના ઘરે બોઘાન આવ્યો હતો.

આ દરમિયાન નિઝામુદ્દીનના મિત્રને ખબર મળી કે તેના પિતાની તબિયત સારી નથી. જાણકારી મળતાં જ 12 માર્ચે નિઝામુદ્દીન પોતાના મિત્ર સાથે નેલ્લોર જવા રવાના થઈ ગયો હતો. આ વચ્ચે કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ થઈ ગયા બાદ તે ઘરે પરત આવી શક્યો નહતો. નેલ્લોરથી દિકરો પરત ન આવતાં રઝિયાએ બોઘાનના એસીપીનો સંપર્ક સાધ્યો હતો અને તેમને સમગ્ર ઘટના જણાવી હતી.

પોલીસ પાસેથી મંજૂરીનો પત્ર લઈને રઝિયાએ પોતાની સ્કૂટી પર જ નેલ્લોર જવાનો નિર્ણય લીધો હતો. તે 7 એપ્રિલે નેલ્લોર પહોંચી ગઈ હતી. નિઝામુદ્દીનને સાથે લઇને તે ત્યાંથી તરત જ નીકળી ગઇને 8 એપ્રિલે બોઘાન પરત આવી ગઇ હતી. આ દરમિયાન રઝિયાએ સ્કૂટી દ્વારા આશરે 1400 કિમીનું અંતર કાપ્યુ હતું. રઝિયાએ જણાવ્યું કે નેલ્લોર જવા દરમિયાન તેણે જંગલના રસ્તાનો પણ ઉપયોગ કર્યો.આમ કરતાં તેને કોઇ ભય ન લાગ્યો. તેણે કહ્યું કે તેના મનમાં ફક્ત એક જ વિચાર હતો કે તેણે તેના દિકરાને પરત લાવવાનો છે.