Maharashtra Shiv Sena Rebel MLAs: મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો ઝઘડો હવે સમાપ્ત થઈ ગયો છે. એકનાથ શિંદે ભાજપમાં જોડાઈને સરકાર બનાવવા જઈ રહ્યા છે અને તેમણે પોતે મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા છે. શિંદેની શપથવિધિ બાદ હવે તેમને સમર્થન કરનારા તમામ ધારાસભ્યો પણ મુંબઈ પરત ફરી શકે છે. કારણ કે આવતીકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે અને શિંદે જૂથે બહુમતી સાબિત કરવી પડશે.


મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં શિંદે સરકારે બહુમતિ સાબિત કરવાની છે. જો કે, હાલના આંકડાઓમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શિંદે જૂથ ભાજપ સાથે હાથ મિલાવીને સરળતાથી બહુમત સાબિત કરશે.


મહારાષ્ટ્રમાં બળવાખોર જૂથો સત્તામાં છે


21 જૂનના રોજ અચાનક શિવસેના કેમ્પમાં હલચલ મચી ગઈ હતી અને ધીમે ધીમે 39 ધારાસભ્યોએ પાર્ટીમાંથી બળવો કરીને સુરત થઈને ગુવાહાટી અને પછી ગોવામાં ધામા નાખ્યા હતા. બળવાખોર જૂથ છેલ્લા દસ દિવસથી સતત દાવો કરી રહ્યું છે કે તેની પાસે બહુમતી છે, પરંતુ હજુ સુધી ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો નથી. આથી મહારાષ્ટ્રના રાજ્યપાલે નવી સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવા કહ્યું છે. જેના માટે એકનાથ શિંદે તૈયારી કરી લીધી છે.


શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે કુલ 106 ધારાસભ્યો છે. આ સાથે 11 વધુ ધારાસભ્યો પણ એકનાથ શિંદેની સાથે છે. જો આ તમામ ધારાસભ્યોને જોડવામાં આવે તો તેઓ બહુમતીથી 23થી વધુ છે. એટલે કે જો ભાજપ અને શિંદે જૂથના દાવા સાચા સાબિત થશે તો નવી સરકાર જંગી બહુમતીથી જીતશે. આ ઉપરાંત આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે.


ભાજપનો ચોંકાવનારો નિર્ણય


ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એવા સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય કહેવાતા દેવેન્દ્ર ફડણવીસ આગામી સીએમ બનશે, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે એકનાથ શિંદેનું નામ આગળ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ પછી શિંદેએ ફડણવીસના જોરદાર વખાણ કર્યા. જેમાં તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે મોટું દિલ બતાવ્યું છે. પોતે 106 ધારાસભ્યોની પાર્ટી હોવા છતાં મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.