નવી દિલ્હીઃ કોરોનાનો કેર રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વકર્યો છે. કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, હવે આ મામલે એક નવા સમાચાર આવ્યા છે કે દિલ્હીમાં એક જ દિવસમાં રેકોર્ડ કોરોના દર્દીઓના મોત થયા છે. કોરોનાથી એક દિવસમાં થનારા મોતનો આ સૌથી મોટો આંકડો નોંધાયો છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 131 દર્દીઓના મોત થયા છે. આ સાથે મોતનો આંકડો વધીને 7943 થઇ ગયો છે. આ પહેલા 12 નવેમ્બરે કોરોનાથી 104 લોકોના મોત થયા હતા.


દિલ્હીમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોનો આંકડો પાંચ લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7486 કેસ સામે આવ્યા છે. આ પછી કોરોનાના કુલ કેસનો આંકડો 5,03,084 થઇ ગયો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માત્ર 10 દિવસમાં અંદાજે 60 હજાર કેસ નોંધાઇ ગયા છે. 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી કુલ 59,532 કોરોના કેસો રિપોર્ટ થયા છે.

દિલ્હીમાં અત્યાર સુધી સાડા ચાર લાખ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 6901 દર્દીઓ ઠીક થયા છે, અને અત્યાર સુધી 4,52,683 લોકો કોરોનાથી સજા થઇ ચૂક્યા છે. દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 42,458 છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 12.03 ટકા છે, અને કોરોનાથી રિક્વરી રેટ 89.98 ટકા છે.