બેંગલુરુઃ કર્ણાટક હાઇકોર્ટે બેંગલુરુમાં બેલંદૂરમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવા મામલે કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન નહી કરવાને લઇને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. નોંધનીય છે કે 19 જાન્યુઆરી 2020ના રોજ બિન કાયદેસર બાંગ્લાદેશીઓ હોવાની શંકા રાખી કરિયમ્મના આગ્રાહારામાં જેસીબી મશીનોએ તમામ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી હતી.

મુખ્ય જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકાએ સરકારને  નિર્દેશ આપ્યા હતા કે જે લોકોના ઘર તોડવામાં આવ્યા છે તેઓને તત્કાળ રાહત આપવા માટે બે સપ્તાહની અંદર પોતાની યોજના બતાવે. રાજ્ય સરકાર પીડિતોને વળતર આપે અથવા તો હટાવવામાં આવેલા લોકોને અસ્થાયી મકાનની સુવિધા પુરી પાડે. કોર્ટ દ્ધારા એક મહિનાની અંદર તમામ પીડિતોના પુનવર્સન માટે એક યોજના તૈયાર કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોર્ટે કહ્યુ કે, આ પીડિતોની ઓળખ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને આ માટે તે અરજદારની મદદ લઇ શકે છે. જોકે, રાજ્ય સરકાર અને બેંગલુરુ મહાનગરપાલિકાએ દલીલ આપી હતી કે તેમણે તોડફોડ કરવાનો આદેશ આપ્યો નથી. જોકે, કોર્ટે ફોટોમાં જોયું કે, પોલીસ કર્મચારીઓની હાજરીમાં ઝૂંપડપટ્ટીઓ તોડવામાં આવી હતી.