નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી કરતાં અનામતને લઈનેમોટી ટિપ્પણી કરી છે. તમિલનાડુમાં NEET પોસ્ટ ગ્રેજ્યુએશન રિઝર્વેશન મામલે કોર્ટે કહ્યું કે, અનામત કોઈ મૌલિક અધિકાર નથી. તેની સાથે જ કોર્ટે તમિલનાડુના અનેક રાજનીતિક પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલ એક અરજીને સ્વીકારવાની ના પાડી દીધી છે.


DMK-CPI-AIADMK તમિલનાડુની અનેક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં NEET અંતર્ગત મેડિકલ કોલેજમાં સીટોને લઈને તમિલનાડુમાં 50 ટકા ઓબીપી અનામતના મામલે અરજી કરી હતી. તેને લઈને સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી હાથ ધરી હતી.

ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ક્હયું કે, આ કેસમાં કોઈના મૌલિક અધિકાર ઝુંટવાયો છે? તમારી દલીલોથી એવું લાગે છે કે તમે માત્ર તમિલનાડુના કેટલાક લોકોની ભલાઈની વાતો કરો છો. DMK તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે, અમે કોર્ટને વધારે અનામત આપવા માટે નથી કહી રહ્યા પરંતુ જે છે તેને લાગુ કરવા માટે કહી રહ્યા છીએ.

આ દરમિયાન જસ્ટિસ રાવે કહ્યું કે, અનામત કોઈ મૌલિક અધિકાર નથી, તમે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચો અને હાઈકોર્ટમાં દાખલ કરો.

જોકે, આ દરમિયાન ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ખુશ છીએ કે આ મામલે તમામ રાજનીતિક દળ એક સાથે આવ્યા છે, પરંતુ અમે આ અરજીને સાંભળીશું નહીં. જોકે, અમે તેને નકારી નથી રહ્યા અને તમને સુનાવણી માટેની તક હાઈકોર્ટમાં આપી રહ્યા છીએ.

નોંધનીય છે કે, આ પહેલા પણ અનામતને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી એવી ટિપ્પણી કરવામાં આવી છે કે અનામત કોઈપણ પ્રકારનો મૌલિક અધિકાર નથી.