Reuters X Handle: આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સનું સત્તાવાર @Reuters X (પૂર્વ ટ્વિટર) હેન્ડલ હાલમાં ભારતમાં બંધ છે. જ્યારે યુઝર્સ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને એક નોટિસ દેખાય છે કે આ એકાઉન્ટ ભારતમાં કાનૂની માંગને કારણે ઉપલબ્ધ નથી. આ પગલાથી પત્રકારત્વ અને ડિજિટલ સ્વતંત્રતાને લઈને ચર્ચા ફરી તેજ બની છે. જોકે, ભારત સરકારે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે "અમે બ્લોક કરવા સંબંધિત કોઈ આદેશ આપ્યો નથી."
ભારત સરકારના એક પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે ભારત સરકારે રોઇટર્સના X હેન્ડલને બંધ કરવા માટે કોઈ આવશ્યકતા દર્શાવી નથી. તેમણે ઉમેર્યું કે, "અમે X (ટ્વિટર) સાથે મળીને આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." સરકારનો દાવો છે કે આ સંભવતઃ જૂના આદેશ પર મોડી થયેલી કાર્યવાહીનું પરિણામ છે, જેની હાલમાં સુસંગતતા નથી રહી.
ઓપરેશન સિંદૂરનો સંદર્ભ: શું રોઇટર્સ ત્યારે નિશાન પર હતું?
સમાચાર એજન્સી PTI અનુસાર, 7 મે 2025ના રોજ ભારત સરકારે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન સેંકડો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાની વિનંતી કરી હતી. તે સમયે રોઇટર્સના એકાઉન્ટ પર કાર્યવાહી થઈ ન હતી. હવે એવી સંભાવના છે કે ટ્વિટર/X એ તે જ આદેશ પર વિલંબિત કાર્યવાહી કરી છે. એક અધિકારીએ તેને તેમની તરફથી એક ભૂલ ગણાવી છે અને સરકારે હવે પ્લેટફોર્મ પાસેથી સેન્સરશિપ હટાવવા અને સ્પષ્ટતા માંગી છે.
ભારતમાં કયા હેન્ડલ્સ બંધ કરવામાં આવ્યા છે?
ભારતમાં @Reuters (મુખ્ય હેન્ડલ) અને @ReutersWorld બંધ છે. જોકે, આ સિવાય @ReutersAsia, @ReutersTech, @ReutersFactCheck સુચારુ રીતે ચાલુ છે. આનાથી સંકેત મળે છે કે આ સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ પસંદગીયુક્ત અને આંશિક બ્લોકિંગ છે. X ની નીતિ અનુસાર, જો તેમને કોઈ દેશની સરકાર કે અદાલત તરફથી કાનૂની આદેશ મળે છે, તો તેઓ તે દેશમાં સંબંધિત કન્ટેન્ટ કે એકાઉન્ટને પ્રતિબંધિત કરી શકે છે. જોકે, જો આ અન્ય કોઈ કારણસર થયું હોય, તો સવાલ ઉઠે છે કે શું સરકાર અને X વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજણ ઊભી થઈ છે. જો કે, હવે સરકારની સ્પષ્ટતા બાદ સ્થિતિ મોટા ભાગે ક્લિયર થઈ ગઈ છે.