શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારી હત્યા કરી છે. શુજાત પર આ હુમલો ગુરુવારે સાંજે શ્રીનગરની પ્રેસ કૉલોનીમાં કરવામાં આવ્યો છે. આ હુમલામાં શુજાત બુખારી અને તેમના એક સુરક્ષા કર્મચારીનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને ગૃહમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ઘટનાની નિંદા કરી છે. સુજાત બુખારીના ભાઈ સઈદ બસારત બુખારી મહેબૂબા મંત્રીમંડળમાં મંત્રી છે.


શુજાત બુખારી પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા તે વખતે આતંકીઓએ તેમની ગાડી પર હુમલો કર્યો. આ હુમલો શ્રીનગરના લાલ ચોક પાસે થયો. શુજાત બુખારીના પરિવારને મળવા પહોંચેલા સીએમ મહેબૂબા મુફ્તીએ ઘટનાની નિંદા કરતા ભાવુક થયા, તેમણે કહ્યું, આનાથી વઘારે કોઈ દુખ ન હોઈ શકે, થોડા દિવસ પહેલા જ તેઓ મળવા આવ્યા હતા.

આતંકવાદીઓએ શ્રીનગરના લાલ ચોક પાસે શુજાત બુખારી અને તેમના પીએસઓ પર સાંજે સાડા સાત વાગ્યે ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં શુજાત અને પીએસઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ ઘટના બાદ શ્રીનગર શહેરમાં હાઈએલર્ટ આપી આતંકવાદીઓની શોધખોળ શરૂ કરાઈ છે.

શુજાત બુખારીની હત્યા બાદ રાજ્યનાં મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ આ ઘટના પર શોક વ્યક્ત કરી આતંકવાદીઓના હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. શુજાત બુખારીની હત્યા બાદ ટ્વિટર પર પોતાના સંદેશમાં મહબૂબાએ લખ્યું છે કે, ‘હું શુજાત બુખારીની હત્યાને કારણે દુઃખી છું. હું આ હિંસાની નિંદા કરું છું અને પ્રાર્થના કરું છું કે, તેમની આત્માને શાંતિ મળે.’

મહબૂબા મુફ્તી ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે શુજાત બુખારીની હત્યા પર શોક વ્યક્ત કરી આ હુમલાની નિંદા કરી છે. રાજનાથ સિંહે તેમના ટ્વીટમાં લખ્યું છે કે, ‘રાઇજિંગ કાશ્મીર’ અખબારના સંપાદક શુજાત બુખારીની હત્યા એક કાયરતાભર્યું પગલું છે. તેઓ એક નિર્ભિક પત્રકાર હતા અને મને તેમના નિધનનું દુઃખ છે. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.’

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે, હું રાઇજિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની હત્યાની ઘટનાના સમાચાર સાંભળી દુઃખી છું. તેઓ એક બહાદુર પત્રકાર હતા, જેમણે હંમેશાં જમ્મુ-કાશ્મીરમાં ન્યાય અને શાંતિ માટે લડાઈ લડી હતી. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે અને હું હંમેશાં તેમને યાદ કરતો રહીશ.’