નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વધુ એક સાંસદે હવે મુસ્લિમ ધર્મના લોકોને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, મુસ્લિમોની વસ્તી વધવાને કારણે મોબ લીચિંગની ઘટનાઓ વધી રહી છે. ઉત્તરપ્રદેશથી ભાજપના સાંસદ હરિ ઓમ પાંડેએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મુસ્લિમ ધર્મને લઇને અનેક વાતો કરી હતી.
ઉત્તરપ્રદેશના આંબેડકર નગરથી સાંસદ હરિઓમ પાંડેએ કહ્યું કે, મુસ્લિમોની વસ્તી વધી રહી છે. આપણે લોકો બીજું પાકિસ્તાન બનતું જોઇશું અને આ ભારત માટે સારુ નથી. ભારતની મુખ્ય સમસ્યા એ છે કે દેશમા આતંકવાદ, ગુનાખોરી અને મોબ લીચિંગની જેવી ઘટનાઓ વધી રહી છે. તેનું મુખ્ય કારણ દેશમાં અનિયંત્રિત વસ્તી વધારો છે. આઝાદી બાદથી દેશની વસ્તીમાં ખૂબ વધારો થયો છે. અસંખ્ય વસ્તી વધારા પાછળ મુસ્લિમ સમાજ જવાબદાર છે.
સાંસદે કહ્યું કે, મુસ્લિમ સમુદાય વસ્તી વધારા પર નિયંત્રણ અને પરિવાર નિયોજન પર વિશ્વાસ નથી કરતો અને મુસ્લિમ સંપ્રદાયના નેતા કહે છે કે ઇસ્લામ તેની મંજૂરી આપે છે. તે લોકો કહે છે કે અલ્લાહ તાલા જેટલી અમારી વસ્તી વધે તે વધારે નથી. સાંસદના મતે તેને કારણે જ આતંકવાદ, ગુનાખોરી અને મોબ લીચિંગ જેવી સમસ્યાઓ વધી છે. વસ્તીવધારાને કાબૂમાં લેવા માટે સંસદમાં એક બિલ લાવવામાં આવશે.
આ અગાઉ ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે હિન્દુઓને પાંચ બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના બૈરિયાથી ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કહ્યું કે, વસ્તીવધારામાં જો સમતુલન નહી રહે તો એ દિવસો દૂર નથી જ્યારે વસ્તીના હિસાબે ભારતમાં હિન્દુઓ લઘુમતી સમુદાયમાં આવી જશે. સુરેન્દ્રસિંહે બાળકો પેદા કરવાને ભગવાનનો પ્રસાદ ગણાવ્યો હતો.