નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ માટે ચાર્ટર્ડ પ્લેન પર છેલ્લા ત્રણ વર્ષમાં 255 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થયો છે. જેની જાણકારી રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને એક પ્રશ્નના જવાબમાં આપી હતી.

વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન ચાર્ટર્ડ ઉડાનો પર 2016-17માં 76.27 કરોડ રૂપિયા અને 2017-18માં 99.32 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. જ્યારે 2018-19માં 79.91 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. મુરલીધરને જણાવ્યું કે 2019-20 માટે બિલ હજુ પ્રાત્પ થયા નથી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ આ વર્ષે ઓગસ્ટથી નવેમ્બર મહીનામાં 9 દેશોનો પ્રવાસ કર્યો છે. તે અંગેની જાણકારી વિદેશ મંત્રાલય તરફથી સામે આવી છે. જે નવ દેશની મુલાકાત લીધી હતી તેમાં ભૂટાન, ફ્રાન્સ, યૂએઈ, બહેરીન, રશિયા, અમેરિકા, બ્રાઝિલ મુખ્ય દેશ છે. વિદેશ મંત્રાલયે વડાપ્રધાન સાથે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના વિદેશ પ્રવાસની જાણકારી આપી હતી.