મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ અને NCPમાં સહમતિ બનતી જોવા મળી છે. કોંગ્રેસના સિનિયર નેતા પૃથ્વીરાજ ચૌહાણે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર સહિત પાર્ટીના તમામ નેતાઓ સાથે બેઠક બાદ હકારાત્મક સંકેત આપ્યા છે. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું, સરકાર રચવા માટેની કવાયત ચાલી રહી છે. તેમાં આજે કોંગ્રેસ અને NCP વચ્ચે ચર્ચાનો આગલો દૌર પૂર્ણ થયો છે. દરેક મુદ્દા પર અમારી વચ્ચે સામાન્ય મત બની ચૂક્યો છે. હવે આગામી ચર્ચા આવતીકાલે મુંબઈમાં કરવામાં આવશે.


પૃથ્વીરાજ ચૌહાણના નિવેદનથી સ્પષ્ટ છે કે, બંન્ને પાર્ટીઓ શિવસેના સાથે આગળ વધવા માટે તૈયાર છે અને હવે માત્ર સરકારના સ્વરૂપ અને મંત્રાલયની વહેંચણી પર જ ચર્ચા ચાલી રહી છે. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, ચૂંટણી પૂર્વે જે અમારા ગઠબંધનના પાર્ટનર હતા, તેમની સાથે મુંબઈમાં બેઠક કરીશું. તેમને હાલમાં સરકાર બનાવવાને લઈને થયેલી બેઠકો વિશે પુરી જાણકારી આપવામાં આવશે. આ સાથે જ તેમનો મત લેવામાં આવશે અને તે બાદ NCP અને શિવસેના સાથે ફાઈનલ બેઠક કરી સરકારના સ્વરૂપની જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં ત્રણેય પાર્ટીઓ વચ્ચે જે ફોમ્યૂલા નક્કી થયો છે તે મુજબ ચાર ધારાસભ્યો પર એક મંત્રી પદ આપવાની વાત છે. એવામાં શિવસેનાના 56 ધારાસભ્યો પર 14 મંત્રીપદ મળી શકે છે. એનસીપીના 54 ધારાસભ્યો પર 14 મંત્રાલય મળી શકે છે. કૉંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે, તો તેમના ખાતામાં 11 મંત્રાલય આવી શકે છે.