ભીલવાડા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના નવા યુનિફોર્મ માટે રાજસ્થાનની ટેક્સટાઈલ સિટી ભીલવાડાની આઠ કંપનીઓને 10 લાખ ફુલ પેંટનો ઓર્ડર આપ્યો છે. માર્ચમાં નાગૌરમાં થયેલી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ડ્રેસમાં ખાખી ચડ્ડીની જગ્યાએ ફુલ પેંટને યુનિફોર્મ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભીલવાડા શહેરની રિકો 4 ફેઝની આઠ કપડાનું વિવિંગ કરતા એકમોને આરએસએસના નવા પેંટ બનાવવા માટે 10 લાખ મીટર કપડા આપવામાં આવ્યા છે. ચિત્તોડગઢ જિલ્લાના ચૌઘાવાડી ગામમાં આવેલા ટાઈટન પ્રોસર્સ હાઉસમાં કપડાનું પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ચિત્તોડગઢ જિલ્લાના અકોલાના સ્વયં સેવક જયપ્રકાશ આ પેન્ટની સીલાઈ કરશે. જયપ્રકાશ શરૂઆતમાં 10 હજાર પેંટ સીવવાનો ઓર્ડર મળ્યો હતો. જો કે હજી સુધી સીલાઈના પૈસા નક્કી નથી થયા પણ જયપ્રકાશનું કહેવું છે કે એક પેંટ દીઠ 200થી 300 રૂપિયા સિલાઈ હશે.

આરએસએસના પેંટ પહેલા જયપ્રકાશ વર્ષે સંઘની 50000 ખાખી ચડ્ડીઓની સાથે કાળી ટોપી, લંગોટ અને સફેદ શર્ટ સીવવાનું કામ કરી રહ્યા છે. જયપ્રકાશના પિતા પણ સ્વયંસેવક છે. ભીલવાડામાં જે 8 ફેક્ટરીઓમાં કપડા બનાવવામાં આવી રહ્યા છે, તે દરેકના માલિકો સંઘ વિચારધારા સાથે સંબંધ ધરાવે છે અને આરએસએસના પદાધિકારી છે.

ભીલવાડામાં આ કપડા ગોવિંદ સોડાનીની સત્કાર શુટિંગ, ધાનચંદ જૈનની સુલજરા શુટિંગ, નિરંજન કરવાની સનસિટી શુટિંગ, સંજય જૈનની અંકુ શુટિંગ, મુકુંદચંદ ચિરાનિયાની શુજલ શુટિંગ અને રાજેશ મુરારકાની સુવિધા શુટિંગમાં બનાવવામાં આવી રહ્યા છે.

આ કપડાને પ્રોસેસ કરનારું પ્રોસર્સ હાઉસના જનરલ મેનેજર વી.કે. શર્મા કહે છે કે અમને આરએસએસના પેંટ માટે ચાર લાખ મીટર કપડાનો ઓર્ડર મળ્યો છે. જે અમે એક મહિનામાં સપ્લાય કરી દેશું. 10 હજાર પેંટ સીવવાનો ઓર્ડર મેળવનાર જયપ્રકાશ ટેલરનું કહેવું છે કે આ કામ મજૂરી નથી. કેમકે હું આ વિચારધારા સાથે જોડાયેલો છું અને મને આ કરવામાં મજા આવે છે.