નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ શુક્રવારે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને જો જરૂર પડી તો ફરીથી 1992ની જેમ આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રામ મંદિરને લઇને ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે.

ભૈયાજી જોશીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે રીતે રામ મંદિર પર નિર્ણય આપ્યો તેનાથી અમે તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા છીએ અને આ ટિપ્પણીથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે, રામ મંદિરને લઇને 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને કોર્ટે હિન્દુઓની ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઇએ. અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં કોર્ટ હિન્દુઓની ભાવનાઓને ધ્યાનમાં રાખશે.

ભૈયાજી જોશીએ કહ્યું કે, અમને આશા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટમાં ભાવનાઓનું ધ્યાન રાખતા ચુકાદો આપશે. કોર્ટમાંથી અપેક્ષા ઘણો લાંબો સમય થઇ ચૂક્યો છે. આ કેસને સુપ્રીમ કોર્ટમાં પણ સાત વર્ષ થઇ ચૂક્યા છે. 3 જજની બેન્ચ બનાવ્યા બાદ અમને ચુકાદાની આશા હતી પરંતુ એવું થયું નહીં. તેમણે કહ્યું કે, જો જરૂર પડી તો 1992ની જેમ ફરીથી રામ મંદિરને લઇને આંદોલન કરવામાં આવશે.

રામ મંદિર માટે વટહુકમ લાવવાના સવાલ પર જોશીએ કહ્યું કે, વટહુકમ જેને માંગવું હશે એ માંગશે પરંતુ આ માટેનો નિર્ણય સરકારે કરવાનો છે. તેમણે કહ્યું કે, રામ તમામના હૃદયમાં રહે છે પણ તે મંદિરો દ્ધારા પ્રગટ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે મંદિર બને. જોશી ત્રણ દિવસ સુધી ચાલેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.