નવી દિલ્હી: કોરોના મહામારી સામે લડવા હવે બે જૂના મિત્ર ભારત અને રશિયા સાથે આવી શકે છે. કોરોના વેક્સીનને લઈને રશિયા અને ભારત વચ્ચે વાતચીત ચાલુ છે અને જરૂરી પ્રક્રિયાને પૂરી કર્યા બાદ રશિયાની વેક્સીન સ્પૂતનિક -5નું જલ્દી જ ભારતમાં ટ્રાયલ શરુ થઈ શકે છે.


નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પાલે મંગળવારે જણાવ્યું કે, રશિયા વેક્સિન મામલે ભારતનો સંપર્ક કર્યો છે. તેમણે જણાવ્યું કે, બન્ને દેશો વચ્ચે રશિયાની વેક્સીનું ટ્રાયલ અને મોટા પાયે તેનું ભારતમાં ઉત્પાદન કરવાને લઈને વાતચીત ચાલી રહી છે. આ મામલે રશિયાએ જ ભારત સાથે સંપર્ક કરીને પહેલ કરી છે, જેમા પર ભારત વિચાર કરી રહ્યું છે.

ડ્રગ કંટ્રોલર જેનરલ ઑફ ઈન્ડિયાની મંજૂરી જરૂરી

ડૉ. પાલે જણાવ્યું કે, ત્રીજા તબક્કાનું ટ્રાયલ ભારતમાં કરવા માટે પહેલા ડ્રગ કંટ્રોલર જેનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી જરૂરી છે. તેની મંજૂરી મળ્યા બાદ ભારતમાં તે કંપની કે સંસ્થાની પસંદગી કરવામં આવશે જ્યાં ટ્રાયલ કરવામાં આવશે. અત્યાર સુધી ભારતની ત્રણ - ચાર કંપનીએ રશિયાની વેક્સીનના ટ્રાયલ માટે રસ દાખવ્યો છે.

ડૉ વી કે. પાલે એ સ્પષ્ટ કર્યું છે કે, રશિયાની વેક્સીનનું ટ્રાયલ પણ ભારતનાા લોકો પર જ કરવામાં આવશે. તેનો હેતુ વેક્સીની અસર ભારતના લોકો પર કેટલો થાય છે જોવાનું છે જેથી તેને અહીંના પ્રમાણે તૈયાર કરવામાં આવી શકાય.

ભારતમાં ત્રણમાંથી બે કંપનીઓ પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલમાં

ભારતમાં ત્રણમાંથી બે કંપનીઓ પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલમાં છે. જ્યારે સીરમ ઈંસ્ટિટ્યૂટ અને ઑક્સફોર્ડની વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ આગામી સપ્તાહમાં મુંબઈ અને પૂણે સહિત ભારતના 17 શહેરોમાં શરું થવાની સંભાવના છે.

કોરોના પર હાલ દુનિયાભરમાં 175થી વધારે વેક્સિન ડેવલપ થઇ રહી છે, જેમાં 8 વેક્સિન એવી છે જે ફેઝ-3 ટ્રાયલ્સમાં છે. ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ સૌથી આગળ છે. તેના ટ્રાયલ્સ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ ગયા છે.