નવી દિલ્હીઃ કોરોના સંકટનો સામનો કરી રહેલ દેશ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રશિયાની સ્પુતનિક વી રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કોવિશીલ્ડ અને કોવૈક્સીન બાદ સ્પુતનિક ત્રીજી રસી છે જેના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. જાણકારી અનુસાર ટૂંકમાં જ આ રસી લોકો સુધી પહોંચી જશે. શરૂઆતમાં તેને રશિયાથી આયાત કરવામાં આવશે અને બાદમાં તેનું ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે.


આ પહેલા કોરોના પર બનેલ સીડીએસસીઓ વિશેષજ્ઞ સમિતિએ વેક્સીનને મંજૂરી આપી હતી. દેશમાં અત્યારે બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની  કોવિશિલ્ડ રસી 45 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે.


કેટલી અસરદાર છે આ ત્રણેય રસી



  • ત્રીજા તબક્કાના ટ્રાયલમાં Sputnik V રસીને અસરકારકતા 91.6 ટકા મળી હતી.

  • ભારત બાયોટેકની કોવેક્સિનને ત્રીજા તબક્કામાં 81 ટકા એએફસી મળી હતી.

  • સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડની એએફસી 62 ટકા નોંધાઈ હતી. જોકે દોઢ ડોઝ બાદ તેની એએફસી 90 ટકા સુધી પહોંચી હતી.


શું છે ડોઝ પેટર્ન



  • કોવિશિલ્ડના બે ડોઝ 4-8 સપ્તાહમાં આપવામાં આવે છે. તેને સ્ટોર કરવા ઝીરો તાપમાનની જરૂર નથી.

  • કોવેક્સિનના બે ડોઝ 4-6 સપ્તાહમાં અપાય છે. તેને સ્ટોર કરવા 2-8 ડિગ્રી સેલ્સિયલ તાપમાનની જરૂર પડે છે.

  • સ્પુતનિક-5 ને પણ બે ડોઝમાં આપવામાં આવે છે અને તેને સ્ટોર કરવા 2-8 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે.


કેટલી છે કિંમત



  • કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં જવા પર 250 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવો પડે છે. સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને 150 રૂપિયા પ્રતિ ડોઝ આપી રહી છે.

  • સ્પુતનિક 5ની કિંમતને લઈ હજુ સુધી કોઈ ખુલાસ થયો નથી. વિદેશમાં આ રસીની કિંમત 10 ડોલર (આશરે 730 રૂપિયા) પ્રતિ ડોઝ જેટલી છે.

  • એક વખત આ રસીનું ભારકતમાં પ્રોડક્શન શરૂ થઈ જશે તો કિંમત ઘણી ઘટી જશે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે 10 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે. આ ઉપરાંત આઈડીઆઈએફે હેટરો બાયોફાર્મા, ગ્લેંડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા, વિક્ટ્રી બાયાટેક સાથે પણ 85 કરોડ ડોઝ બનાવવાનો કરાર કર્યો છે.