Russia India Oil Trade: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા છે. તેમાંથી ઈંધણ ખરીદવા પરનો પ્રતિબંધ મુખ્ય બાબત છે. જો કે, શ્રેણીબદ્ધ પ્રતિબંધો લાદવા છતાં રશિયાએ તેની આક્રમકતા યથાવત જ રાખી હતી. પ્રતિબંધોને ટાળવા માટે રશિયાએ ભારત અને ચીન સાથેનો વેપાર અનેકગણો વધાર્યો અને તેમને તેનું સસ્તું ક્રૂડ ઓઈલ ઓફર કર્યું. આ બંને દેશો ખૂબ સસ્તા રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યા છે અને નફો પણ કમાઈ રહ્યા છે.


ભારત રશિયન તેલને રિફાઇન કરીને યુરોપિયન દેશોને વેચી રહ્યું છે. તાજેતરની માહિતી અનુસાર, યુરોપમાં ભારતમાંથી રિફાઇન્ડ ઇંધણની આયાત પ્રતિદિન 3.60 લાખ બેરલની નજીક છે. જ્યારે ભારતમાં રશિયન ક્રૂડ ઓઇલની આવક એપ્રિલમાં દરરોજ 200 મિલિયન બેરલને વટાવી શકે છે, જે કુલ તેલની આયાતના 44% છે. આ સ્થિતિમાં ભારતીય તેલ કંપનીઓ સસ્તા રશિયન તેલનો ફાયદો ઉઠાવી રહી છે. જો કે, સમયાંતરે એવા અહેવાલો આવ્યા છે કે, હવે ભારત લાંબા સમય સુધી રશિયા પાસેથી સસ્તું તેલ મેળવી શકશે નહીં. તેનું કારણ - બંને દેશો વચ્ચે પેમેન્ટ મોડનો મુદ્દો જણાવવામાં આવી રહ્યો છે.


ચુકવણીમાં સમસ્યા 


ન્યૂઝ વેબસાઈટ 'ધ પ્રિન્ટ' અનુસાર, જ્યાં સુધી રશિયા અને ભારત વચ્ચે ડૉલરનો વિકલ્પ નહીં મળે ત્યાં સુધી બધું જ અટકેલું રહેશે. જાહેર છે કે, અમેરિકા દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનો અર્થ એ પણ છે કે, ભારત રશિયાથી તેલ આયાત કર્યા બાદ અમેરિકી ડોલરમાં ચૂકવણી કરી શકતું નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચૂકવણીની પરંપરાગત પદ્ધતિ અમેરિકી ડોલર રહી છે. આ સ્થિતિમાં ભારત અને રશિયાની સરકારોએ નિર્ણય લીધો કે તેઓ તેમની ખરીદી અને વેચાણ માટે ચુકવણી તરીકે ત્રીજા દેશની ચલણનો ઉપયોગ કરશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, હજી સુધી આવું થયું નથી. કારણ કે, કોઈએ આ વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી અને આ વિકલ્પને બિનસત્તાવાર પણ માનવામાં આવ્યો હતો. જેના કારણે પેમેન્ટ મોડનો મુદ્દો અટવાઈ ગયો છે.


શું તમે હવે પોતાના ચલણમાં ચૂકવણી કરી શકાશે?


નિષ્ણાતોના મતે, રશિયન કંપનીએ ભારતના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) સાથે સોદો કર્યો હતો. કોન્ટ્રાક્ટ હેઠળ ઈન્ડિયન ઓઈલ રશિયાની ઓઈલ કંપની પાસેથી દર મહિને લાખો બેરલ ઓઈલ ખરીદી શકે છે. IOC સાથેના કરારમાં ટ્રાન્ઝેક્શન સમયે ઉપલબ્ધ પેમેન્ટ સિસ્ટમના આધારે રૂપિયા, ડૉલર અને યુરો જેવી તમામ મુખ્ય કરન્સીમાં ચુકવણીનો સમાવેશ થાય છે. ભારત રશિયા પાસેથી યુરલ ગ્રેડનું તેલ ખરીદે છે, પરંતુ IOCએ તેના સોદામાં સોકોલ ગ્રેડ અને ESPO બ્લેન્ડનો પણ સમાવેશ કર્યો છે. ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે, UAEના ચલણ દિરહામનો ઉપયોગ ભારત પાસેથી રશિયન તેલ ખરીદવા માટે કરવામાં આવે છે. જો કે, એવા અહેવાલો પણ છે કે, રશિયાને હવે આ ચલણની જરૂર નથી. આ સ્થિતિમાં ભારત હવે રશિયાથી આયાત કરવામાં આવતા માલની ચૂકવણી તેના પોતાના ચલણ (રૂપિયા)માં કરવા માટેના રસ્તાઓ શોધી રહ્યું છે.