Ukraine Russia War: યુક્રેન પર રશિયાના સતત હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત બેઠક યોજી હતી. આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રશિયાએ આજે સતત બીજા દિવસે યુક્રેનના ખારકિવ શહેરમાં બોમ્બમારો કર્યો છે. ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે ખારકિવ છોડવા કહ્યું હતું. જો ટ્રેન, બસ અથવા અન્ય વાહનો ઉપલબ્ધ ન હોય તો પગપાળા પેસોચીન, બાબાયે અને બેઝલીયુદોવ્કા સુધી પહોંચો. ખારકીવથી પેસોચિનનું અંતર 11 કિલોમીટર છે, બાબાયેથી અંતર 12 કિલોમીટર છે અને બેઝલીયુદોવ્કાથી અંતર 16 કિલોમીટર છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રશિયા તરફથી મળેલી માહિતીના આધારે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તરત જ તેના તમામ નાગરિકોને ખારકીવ છોડવા કહ્યુ હતું. ભારતમાં રશિયાના રાજદૂત માટે નામિત ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે ખારકિવ, સુમી અને યુક્રેનના અન્ય સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને સલામત માર્ગ આપવા માટે "માનવતાવાદી કોરિડોર" બનાવવા માટે રશિયા સઘન રીતે કામ કરી રહ્યું છે.
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલા બાદ લગભગ 17,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ગંગા' અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ ભારત પહોંચી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લઇને અત્યાર સુધીમાં કુલ 15 ફ્લાઈટ્સ ભારતમાં આવી છે. તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં વધુ 15 ફ્લાઈટ્સ આવશે. ભારતીય વાયુસેના પણ આ ઓપરેશનમાં જોડાઈ છે.