S Jaishankar On Afghan Sikh Refugees: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે આજે દિલ્હીમાં ગુરુ અર્જુન દેવ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. તેઓ અફઘાનિસ્તાનથી ભારત આવેલા શીખ શરણાર્થીઓને મળ્યા હતાં અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. વિદેશ મંત્રીએ શીખ શરણાર્થીઓના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપવા સાથે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે, જો તે કાયદો ન હોત તો આ લોકોનું શું થાત.?
શીખ શરણાર્થીઓને મળ્યા બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે...
વિદેશ મંત્રી જયશંકરે શીખ શરણાર્થીઓને મળ્યા બાદ કહ્યું હતું કે, તેઓએ (શીખ શરણાર્થીઓ) કાબુલમાં શું થયું તેનું ખૂબ જ વિગતવાર વર્ણન કર્યું છે અને તેઓ જે કહેતા હતા તે બિલકુલ સાચું હતું. તમે વિચારો, કે જે કાયદા (CAA)ની વાત કરી રહ્યા છો તે કાયદા પર તેમને વિશ્વાસ હતો કે અમે પાછા આવીશું અને અમારૂ કર્તવ્ય હતું કે આમ થાય.
કેન્દ્રીય મંત્રી જયશંકરે કહ્યું હતું કે, તમે જોઈ શકો છો કે, જો તે કાયદો ન હોત તો આ લોકોનું શું થયું હોત? તેમણે કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક આપણે દરેક બાબતે રાજનીતિ કરીએ છીએ. પરંતુ આ રાજકારણની વાત નથી, માનવતાની વાત છે. તેમને આ હાલતમાં કોણ છોડી શકે? ”વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે તેઓ એ જ વિશ્વાસ સાથે આવ્યા છે. એ ભરોસા પર આપણે ખરા ઉતરવું પડશે. તેમની માંગણીઓ અને ચિંતાઓ ગમે તે હોય, અમે ચોક્કસપણે તે કોઈપણ રીતે તેમના માટે જેટલું કરી શકીએ તેટલુ જરૂરથી કરીશું.
નાગરિકતા અને વિઝા અંગે શક્ય તમામ મદદ કરીશું - વિદેશ મંત્રી
આ અગાઉ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તેઓ અફઘાનિસ્તાનથી ભારત આવેલા શીખોને મળવા માંગે છે અને તેમના મુદ્દાઓ સમજવા માંગે છે. તેમને (શીખ શરણાર્થીઓને) વિઝા અને નાગરિકતા અંગે કેટલીક સમસ્યાઓ છે, તે સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. એસ જયશંકરે કહ્યું હતું કે, કેટલાક લોકો હજુ પણ તેમની નાગરિકતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. અમે નાગરિકતા અને વિઝા સંબંધિત તમામ શક્ય મદદ પૂરી પાડીશું. તેમને મદદ કરવાની અમારી જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપ સરકારની સિદ્ધિઓને લોકો સુધી લઈ જવા માટે અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત વિદેશ મંત્રીએ ગુરુવાર (8 જૂન)થી પોતાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી અને રાજકારણ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.