વિદેશમંત્રી એસ જયશંકરે યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું હતું કે, પશ્ચિમી દેશોએ ભારતના આ વલણ સાથે જ જીવવું પડશે. જયશંકરે કહ્યું, હવે જો ભારતનું વલણ 'તમારી અપેક્ષાઓ સાથે મેળ ખાતું નથી, તો તે તમારી સમસ્યા છે'. 


વિદેશમંત્રી એક સમિટમાં બોલી રહ્યા હતા. તેમણે પશ્ચિમી દેશોને દર્પણ દેખાડતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર મતભેદ હોવા છતાં ભારત તેમની (પશ્ચિમ દેશો) સાથે કામ કરી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે અમારી વિદેશ નીતિ બીજાના હિસાબે ચાલતી નથી. અમે એ જ કરીએ છીએ જે ભારત માટે યોગ્ય છે.


રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિમાં ભારતનું જે સ્ટેન્ડ છે તેને પશ્ચિમના દેશો પચાવી નથી શકતા. અમેરિકા સહિતના દેશો ભારતને યુક્રેન અને પશ્ચિમી દેશો તરફ ઝુકાવ રાખવા આડકતરી રીતે દબાણ કરી રહ્યાં છે. પરંતુ કોઈ પણના દબાણને વશ થયા વગર ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે. આજે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ભારતે છેલ્લા નવ મહિનામાં તેના હિતોનું ધ્યાન રાખ્યું છે. ભારત તેની 'વિશ્વસનીય' સ્થિતિ સાથે સંયમની પણ તરફેણ કરે છે જે રશિયા-યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માંગે છે અને અન્ય દેશો સાથે કામ કરવા સક્ષમ છે. તેમને પશ્ચિમી દેશોને બરાબરનું સંભળાવતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર મતભેદ હોવા છતાં ભારત તેમની (પશ્ચિમ દેશો) સાથે કામ કરી જ રહ્યું છે. પાકિસ્તાન એક એવો મુદ્દો છે જેના પર પશ્ચિમી દેશો સાથે અમારો ઐતિહાસિક મતભેદ રહ્યો છે. મતભેદ ઉપર અને નીચે જરૂર થયા છે, પરંતુ હજી દૂર થયા નથી.


જયશંકરે પશ્ચિમી દેશોને રોકડું પરખાવતા કહ્યું હતું કે, હવે જો ભારતનું વલણ 'તમારી અપેક્ષાઓ સાથે મેળ ખાતું નથી, તો તે તમારી સમસ્યા છે'. પરંતુ ભારતે યુક્રેન પર ખૂબ જ ગંભીર વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, બાલીમાં G20 દેશોના શિખર સમ્મેલનનું પરિણામ પણ આ મામલે પીએમ નરેન્દ્ર મોદીના યોગ્ય નિર્ણયને સાબિત કરે છે. એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, અમારી વિદેશ નીતિ બીજાના હિસાબે ચાલતી નથી. અમે તે કરીએ છીએ જે ભારત માટે સારું છે.


પશ્ચિમી દેશો આતંકવાદ પર કેમ એક સ્વરમાં નથી બોલતા?


શું ભારતની પરિસ્થિતિ QUAD થી અલગ છે? આ મામલે જયશંકરે કહ્યું હતું કે, QUAD દેશો એક જેવી જ પોઝિશન લેશે એ નક્કી નથી. જો કોઈ ક્વાડના સભ્ય દેશને ભારત પાસેથી કોઈ અપેક્ષાઓ હોય તો ભારતને પણ પોતાની અપેક્ષાઓ હતી. જયશંકરે કહ્યું હતું કે, 'અમારો એક પાડોશી છે જે રાત-દિવસ આતંકવાદ જ ફેલાવે છે. તો પછી આ મુદ્દે કેમ તેઓ (પશ્ચિમી દેશો‌) એક સ્વરે નથી કહેતા જે હું આજે કહી રહ્યો છું? આતંકવાદ મામલે સામૂહિક એકતા ક્યાં છે, જે હકીકતમાં ખૂબ જૂની સમસ્યા છે. તેમને સવાલ કરતા કહ્યું હતું કે જો હું પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનને લઈ તેમને પુછું કે તેઓ શા માટે ભારત સાથે નથી ઉભા? તેમાંથી ઘણા બધા (ભારત સાથે) નથી.


"આપણે તૈયાર રહેવું પડશે"


વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, આપણે યુક્રેન યુદ્ધ જોયું છે, અમે ઘણા દેશોને અસર પહોંચાડતી જળવાયુની ઘટનાઓ પણ જોઈ રહ્યા છીએ. આપણ એ માનીને ચાલવું પડશે કે હજી પણ અનેક સંકટો આવશે. આપણે તે મુજબ તૈયાર રહેવાની જરૂર છે.