મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને પૂર્ણ બહુમત મળ્યા બાદ સરકાર ગઠનને લઈને સસ્પેંસ યથાવત છે. શિવસેના મુખ્યમંત્રી પદની માંગ કરી રહ્યું છે અને ભાજપ તેના માટે રાજી નથી. શિવસેના ભાજપના વિરોધી શરદ પવારના વખાણ કરી રહ્યું છે. આજે જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું આ વખતે શરદ પવાર ભાજપનો અશ્વ રોકી દિધો છે. આ સાથે જ કહ્યું મહારાષ્ટ્રની સત્તાનું 'રિમોટ કંટ્રોલ' ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે.


સામનાના કાર્યકારી સંપાદક અને શિવેસેના સાંસદ સંજય રાઉતે લખ્યું, 'કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી આ બંને પ્રમુખ પાર્ટીઓએ મળીને 100નો આંકડો પાર કર્યો છે. જેનો તમામ શ્રેય શરદ પવારને જાય છે. વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટીનો અશ્વ રોકવાનું કામ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. વર્ષ 2019માં આ કામ શરદ પવારે કર્યું છે. આ મહારાષ્ટ્રની વિશેષતા છે.'

શિવસેનાએ ચૂંટણી પરિણામના આગામી દિવસે 25 ઓક્ટોબરે પણ શરદ પવારના વખાણ કર્યા હતા. મહારાષ્ટ્રમાં એ સવાલ પર પણ ચર્ચા છે કે એનસીપી સરકાર બનાવવા માટે શિવસેનાને સાથ આપશે અને કૉંગ્રેસ તેને બહારથી સમર્થન આપી બહુમત સુધી પહોંચાડશે ? પરંતુ શરદ પવાર શિવસેનાને સમર્થન આપવાથી ઈનકાર કરી ચૂક્યા છે. શનિવારે તેમણે કહ્યું જનતાએ તેમને વિપક્ષમાં બેસવા માટે બહુમત આપ્યો છે.