નવી દિલ્હીઃ સબરીમાલા મંદિરના આજે સાંજે 5 કલાકે કપાટ આજે ખુલ્યા હતા. ગત વર્ષે છાવણીમાં ફેરવાયેલા સબરીમાલા મંદિરમાં આ વખતે શાંતિ જોવા મળી હતી. જોકે આજે કેરલ પોલીસે 10 મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવી હતી. પોલીસે તેમને ઓળખપત્ર જોયા બાદ મંદિરમાં પ્રવેશવા દીધી નહોતી.


કેરલના પર્યટન અને દેવસ્વોમ પ્રધાન કડકમપલ્લી સુરેન્દ્રએ કહ્યું હતું કે સબરીમાલા પૂજાનું સ્થાન છે, પ્રદર્શનનું નહીં. અહીં તુપ્તિ દેસાઈ જેવા કાર્યકર્તાઓએ શક્તિ પ્રદર્શન કરવા માટેનું કોઈ સ્થળ નથી. માટે રાજ્ય સરકાર મંદિરમાં એવી કોઈ પણ વ્યક્તિના પ્રવેશનું સમર્થન નહીં કરે કે જે ફક્ત લોકપ્રિયતાના ઉદ્દેશથી આવે છે.


કેરલ સરકારે એ સ્પષ્ટ કર્યું હતું કે સબરીમાલા મંદિરના દર્શન કરવાની વાત કહેનારી મહિલા સામજીક કાર્યકર્તાઓને પોલીસ કોઈ જ સુરક્ષા ઉપલબ્ધ કરાવશે નહીં. પ્રધાન કે.સુરેન્દ્રએ કહ્યું હતું કે અમે તેમને અંદર જવા દેશું નહીં. તેઓ અદાલતના કોર્ટનો આદેશ લઈને આવે.


સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. જે બાદ સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા પર 28 સપ્ટેમ્બર, 2018ની ફેંસલા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. જેને 7 ન્યાયમૂર્તિઓની લાર્જર બેંચને મોકલી આપવામાં આવી છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આગામી ફેંસલા સુધી સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશ કરી શકશે.

સબરીમાલા મંદિરની પરંપરા મુજબ 10 થી 50 વર્ષ વચ્ચેની મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી.