નવી દિલ્હી: રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે આજે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ સચિન પાયલટે કહ્યું કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં સરકાર જે કરી રહી છે અને લોકો માટે શું કરવામાં આવી રહ્યું છે, તેના પર વિસ્તારથી ચર્ચા થઈ હતી. આ સાથે જ પાર્ટીના એ કાર્યકર્તાઓની સહભાગિતા વધારવા માટે ચર્ચા થઈ જેમણે વર્ષો સુધી પાર્ટી માટે કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે દિલ્હીમાં કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી જેમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણ સામી સાથે ચર્ચા કરી. આ સાથે જ ખાસ વાત એ હતી કે આ બેઠકમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ બોલાવવામાં આવ્યા હતા. સચિન પાયલટ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીની સાથે રાજસ્થાન કૉંગ્રેસના અધ્યક્ષ પણ છે અને છેલ્લા ઘણા સમયથી તેમના નિવેદનોથી લાગી રહ્યું છે કે રાજ્ય સરકારના નેતૃત્વથી ખુશ નથી. આ સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું છે અશોક ગહલોત રાજસ્થાન કૉંગ્રેસ અધ્યક્ષ પોતાની નજીકના માણસને બનાવવા માંગે છે.