Bihar CM Samrat Choudhary Oath: નીતિશ કુમારે બિહારના મુખ્યપ્રધાન તરીકેના તેમના બે દાયકાથી વધુના કાર્યકાળનો અંત આવ્યો છે. તેમણે મંગળવારે રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને રાજીનામું સુપરત કર્યું. રાજીનામા બાદ નીતિશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "અમે બિહારના લોકો માટે ઘણું કર્યું છે. અમે આટલા લાંબા સમય સુધી તેમની અથાક સેવા કરી છે. અમે મુખ્યમંત્રી પદ છોડવાનો નિર્ણય લીધો હતો, તેથી આજે કેબિનેટની બેઠક પછી મેં રાજ્યપાલને મળીને મારું રાજીનામું તેમને સુપરત કર્યું. હવે એક નવી સરકાર રાજ્યના કામકાજનો હવાલો સંભાળશે."
નીતિશ કુમાર તાજેતરમાં બિહારથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેઓ હવે દિલ્હીમાં રહેશે અને સંસદના ઉપલા ગૃહમાં હાજર રહેશે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવાના છે. બિહારના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈ ભાજપ મુખ્યમંત્રી રાજ્યનું નેતૃત્વ કરશે. સમ્રાટ ચૌધરી ભાજપના એક અગ્રણી ઓબીસી વ્યક્તિ છે અને અગાઉ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. આવતીકાલે (15 એપ્રિલ) સવારે 11 વાગ્યે લોકભવન ખાતે નવા મંત્રીમંડળ સાથે શપથ લેશે. જેડીયુ ક્વોટાના વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. લોકભવનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
ભાજપ અને એનડીએ વિધાનસભા પક્ષની બેઠકોમાં સર્વાનુમતે મુખ્યમંત્રી પદ માટે સમ્રાટ ચૌધરીના નામને મંજૂરી આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા, ભાજપના વરિષ્ઠ નેતાઓ મંગલ પાંડે, દિલીપ જયસ્વાલ અને રેણુ દેવી સાથે મળીને સમ્રાટ ચૌધરીને પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા તરીકે ઔપચારિક રીતે પ્રસ્તાવિત કર્યા હતા. આ પ્રસ્તાવને કેન્દ્રીય નિરીક્ષક શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ નીતિશ કુમારે એનડીએ વિધાનસભા પક્ષની બેઠકમાં સમ્રાટ ચૌધરીને આવકાર્યો અને તમામ સાથી પક્ષોએ મુખ્યમંત્રી પદ માટે તેમના નામને સમર્થન આપ્યું.
સમ્રાટ ચૌધરીએ પાર્ટીનો આભાર માન્યો
સમ્રાટ ચૌધરીએ બિહારના લોકોની સેવા કરવાની તક આપવા બદલ ભાજપનો આભાર માન્યો. તેમણે X પર પોસ્ટમાં લખ્યું હતું કે, "આ મારા માટે ફક્ત એક પોસ્ટ નથી, પરંતુ બિહારના લોકોની સેવા કરવાનો, તેમના વિશ્વાસ અને સપનાઓને પૂર્ણ કરવાનો એક પવિત્ર અવસર છે. હું સંપૂર્ણ સમર્પણ, પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતા સાથે દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો સંકલ્પ લઉં છું."
સમ્રાટ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં બિહારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સમર્પિતપણે કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના માર્ગદર્શન હેઠળ હું બિહારને વિકાસ, સુશાસન અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ રહીશ. તમારો સ્નેહ, આશીર્વાદ અને સમર્થન મારી સૌથી મોટી તાકાત છે."
ચૌધરી રાજ્યના એક અગ્રણી OBC વ્યક્તિ છે
ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યના રાજકારણમાં સક્રિય સમ્રાટ ચૌધરીને 1999માં તેમની પહેલી મોટી રાજકીય તક મળી જ્યારે તેમને RJD ની આગેવાની હેઠળની બિહાર સરકારમાં કૃષિ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ બિહારના રાજકારણમાં એક પાયાના નેતા તરીકે જાણીતા છે. 2010માં જ્યારે તેમણે JDU લહેર છતાં તેમની પરબત બેઠક જીતી હતી. તે જ વર્ષે આરજેડીએ તેમને બિહાર વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા હતા.
