sanjay raut bjp rana: મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ રાજકીય નિવેદનોનો દોર શરૂ થયો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ એવી રીતે ઉજવણી કરી રહ્યું છે કે જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો તહવ્વુર રાણાને ભારત લાવી શકાયો જ ન હોત, પરંતુ હકીકત એ નથી. રાઉતે દાવો કર્યો કે આ પ્રક્રિયા તો મનમોહન સિંહના સમયથી ચાલી રહી છે.
સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર 'સામના'માં લખેલા તંત્રીલેખમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પૂછ્યું છે કે 'કુલભૂષણ જાધવનું શું થયું?' સામનામાં લખવામાં આવ્યું છે કે, "વડાપ્રધાન મોદીના અસ્તિત્વને કારણે દેશમાં ઘણી બધી વસ્તુઓ પોતાની મેળે જ બની રહી છે. એટલે કે ઘટનાઓ બનતી રહે છે અને પછી તેમના ભક્તો દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે 'મોદીના કારણે આવું બન્યું છે'. કંગના બેન પહેલા જ કહી ચૂક્યા છે કે મોદી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તેઓ અવતારી પુરુષ છે. તેથી જ મોદી કંઈ પણ કરી શકે છે."
સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે NIAએ ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાની ધરપકડ કરી છે અને ભાજપના ભક્તો રાણાના પ્રત્યાર્પણની જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ આને મોદી સરકારની કૂટનીતિની મોટી સફળતા ગણાવી છે. રાઉતે આ સંદર્ભમાં લખ્યું કે આ લોકોને લાગે છે કે જો મોદી ન હોત તો રાણાને ભારતને સોંપવામાં ન આવ્યો હોત.
સંજય રાઉતે પોતાના લેખમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાણાને ભારત લાવવાની લડાઈ તો મનમોહન સિંહની સરકારના સમયથી ચાલી રહી છે. તે સમયે ભારતે રાણાના પ્રત્યાર્પણની માંગણી કરી હતી. રાણાએ ભારતના આ માંગને અમેરિકી કોર્ટમાં પડકારી હતી અને આ કેસ અમેરિકન કોર્ટમાં ૧૮ વર્ષ સુધી ચાલ્યો હતો. આ લાંબી કાનૂની લડાઈના દરેક તબક્કે ભારતે પોતાનો મજબૂત કેસ રજૂ કર્યો અને આખરે રાણાની અરજી ફગાવી દેવામાં આવી અને તેને ભારતને સોંપવો પડ્યો. રાઉતે ભારપૂર્વક કહ્યું કે આ એક લાંબી કાનૂની અને રાજકીય પ્રક્રિયા છે.
રાઉતે વર્તમાન સરકાર પર કટાક્ષ કરતા લખ્યું કે પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમની સાથે ખરેખર શું થઈ રહ્યું છે તે કોઈ જાણતું નથી. તેમણે સવાલ કર્યો કે આ કેસમાં મોદી-શાહની મુત્સદ્દીગીરી કેમ કામ નથી કરી રહી? રાઉતે એમ પણ કહ્યું કે રાણાને લાવવો આસાન હતો, પરંતુ કુલભૂષણ જાધવને પાછા લાવવું એ સાહસિક કામ છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે કદાચ બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મોદીની કૂટનીતિના વખાણ કરવા માટે રાણાની જરૂર છે.
આમ, તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને સંજય રાઉતે આ મુદ્દે કેન્દ્ર સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે.