Sanjay Raut Gujarati remark: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે ગુજરાતી ભાષાને લઈને એક વિવાદીત નિવેદન આપ્યું છે, જેના કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં તેની ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

સંજય રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હિન્દી ભાષાથી કોઈ ખતરો નથી અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. જોકે, તેમણે વિવાદાસ્પદ રીતે ઉમેર્યું કે મરાઠી ભાષા પર ગુજરાતી ભાષાથી ખતરો છે. તેમના આ નિવેદનથી અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

સંજય રાઉતના આ નિવેદન પર ગુજરાત ભાજપે આકરા પ્રતિક્રિયા આપી છે. ગુજરાત ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ સંજય રાઉતના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે સંજય રાઉતે ગુજરાતી ભાષાથી ખતરો હોવાનું નિવેદન આપીને પ્રદેશ ભાજપને નારાજ કર્યું છે.

યજ્ઞેશ દવેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં મરાઠીઓ રહે છે, અને બંને સમુદાયના લોકો હળીમળીને સાથે રહે છે. તેમણે સંજય રાઉત પર રાજકીય પરાજયનો આરોપ લગાવતા કહ્યું કે "તમે હારી ગયા છો, તમને પ્રજા પસંદ નથી કરી રહી, એટલે ભાષાને લઈને લોકોમાં ઝેર ન ફેલાવો." યજ્ઞેશ દવેએ ભારપૂર્વક કહ્યું કે તેઓ સંજય રાઉતના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત દ્વારા ગુજરાતી ભાષા અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત ભાજપ બાદ હવે ગુજરાત કોંગ્રેસે પણ સંજય રાઉતના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.

મનીષ દોષીએ જણાવ્યું હતું કે, "હંમેશા ગુજરાતીઓએ અને ગુજરાતના નાગરિકોએ મહારાષ્ટ્રને પોતાનું ગણીને મોટાભાઈ જેવો વ્યવહાર કર્યો છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાતીઓનો હંમેશા અહમ ફાળો રહ્યો છે. કોઈપણ જાહેર જીવનના વ્યક્તિએ આ રીતે ભાષા અને પ્રાંતના આધારે ભેદભાવ ન કરવો જોઈએ, તેમ મનીષ દોષીએ ઉમેર્યું હતું.

સંજય રાઉત પર નિશાન સાધતા મનીષ દોષીએ કહ્યું કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં હંમેશા તે પ્રાંતનો વિકાસ કરતા હોય છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ તરીકે અમે આવા નિવેદનને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ.

મનીષ દોષીએ દેશના બંધારણનો હવાલો આપતા કહ્યું કે દેશનું બંધારણ કોઈપણ જગ્યાએ વસવાટ કરવા અને ધંધો કરવા માટે છૂટછાટ આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે બંધારણ સર્વોચ્ચ હોય ત્યારે તમામ લોકોએ બંધારણનું સન્માન કરવું જોઈએ.

જે લોકો ગુજરાતીઓ પર અને ગુજરાતી ભાષા પર ટિપ્પણી કરી રહ્યા છે તેમને નમ્રભાવે કહેવા માંગુ છું તેમ જણાવતા મનીષ દોષીએ કહ્યું કે, "ગુજરાત અને ગુજરાતીઓની સંસ્કૃતિ સાથે લઈને ચાલવાની છે, ત્યારે આવા ગુજરાતીઓ વિશે ટિપ્પણીથી જાહેર જીવનના લોકોએ દૂર રહેવું જોઈએ." આમ, મનીષ દોષીએ સંજય રાઉતના નિવેદનને વખોડવાની સાથે ગુજરાતી સમુદાયના યોગદાન અને બંધારણીય અધિકારો પર પણ ભાર મૂક્યો હતો.