શિવસેનાના નેતા સંજય રાઉતે કાશ્મીરને લઈને મહેબૂબા મુફ્તીના નિવેદન પર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું છે કે, “ભાજપ અને મહેબૂબા મિત્રો રહ્યાં છે. સાથે મળીને તેઓએ સત્તા સંભાળી. આવી સ્થિતિમાં મહેબૂબાએ જે પણ કહ્યું તેના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. મહેબૂબા મુફ્તીનો એક રાજકીય પક્ષ છે જે શરૂઆતથી જ અલગતાવાદીઓને સમર્થન આપે છે, તેમ છતાં ભાજપે તેમની સાથે ગઠબંધન કરીને સત્તા સંભાળી હતી.”
'ભાજપના કારણે બોલવાની શક્તિ મળી
સંજય રાઉતે કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટીએ મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટી પીડીપીને મજબૂત કરવાનું કામ કર્યું છે, તેથી આ બધા માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે જવાબદાર છે. ભાજપે તેમની સાથે સત્તાનો લાભ ઉઠાવ્યો છે. ભાજપના કારણે જ તેમને બોલવાની શક્તિ મળી છે”
શિવસેના હંમેશા વિરોધ કરશે
સંજય રાઉતે ફરી વાર કહ્યું કે, કાશ્મીર મુદ્દે બીજેપીના વિચારો ગમે તે હોય, શિવસેના હંમેશા તેનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે મહેબૂબા મુફ્તીની પાર્ટી ભાજપની ખાસ મિત્ર રહી છે. એ જાણીને કે મુફ્તી હંમેશા પાકિસ્તાન તરફી રહ્યા છે.
શું કહ્યું હતું મહેબૂબા મુફ્તીએ?
જણાવી દઈએ કે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે કાશ્મીર એક વિવાદ છે અને આ વિવાદ છેલ્લા 70 વર્ષથી છે. આ વિવાદ ત્યારે જ ઉકેલાશે જ્યારે પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરના લોકો સાથે વાતચીત થશે. આ નિવેદન બાદથી વિરોધ પક્ષો સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.
મહેબૂબાએ આ અભિપ્રાય ધ કાશ્મીર ફાઇલ્સ પર આપ્યો હતો
બીજી તરફ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પ્રખ્યાત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જો ભાજપે કાશ્મીરી પંડિતો વિશે કંઈક કર્યું હોત, તો આજે સ્થિતિ અલગ હોત. જમ્મુ-કાશ્મીરમાં લોકો સતત અત્યાચાર સહન કરી રહ્યા છે. જે રીતે બીજેપી અને પીએમ મોદી પોતે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું પ્રમોશન કરી રહ્યા છે, જો તેમણે છેલ્લા 8 વર્ષમાં કાશ્મીરી પંડિતો માટે કંઈક કર્યું હોત તો આજે સ્થિતિ કંઈક અલગ હોત.”