નવી દિલ્હીઃ ભારતીય સેના માટે બનાવેલ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (Medium Range Surface to Air Missile - MRSAM)નું 27 માર્ચ 2022 ના રોજ ઓડિશાના બાલાસોરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલે થોડી જ મિનિટોમાં સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને નષ્ટ કરી દીધું.






આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ઈઝરાયેલની IAI કંપની સાથે મળીને બનાવવામાં આવી છે. ઈઝરાયેલ તરફથી ભારતને મળેલી બરાક મિસાઈલ પણ MRSAM છે. સરફેસ ટુ એર મિસાઇલ (SAM) આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી-ફંક્શન રડાર, મોબાઇલ લોન્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે. તે ઈઝરાયેલની ખતરનાક મિસાઈલ બરાક-8 પર આધારિત છે.


MRSAMનું વજન લગભગ 275 કિલો છે. લંબાઈ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર છે. આ મિસાઈલ પર 60 કિલો વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકાય છે. તે બે તબક્કાની મિસાઈલ છે, જે લોન્ચ થયા બાદ ઓછો ધૂમાડો બહાર કાઢે છે.


એકવાર લોન્ચ થયા પછી એમઆરએસએએમ (મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ) આકાશમાં 16 કિમી સુધીના લક્ષ્યને સીધી હિટ કરી શકે છે. જો કે તેની રેન્જ અડધા કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીની છે. એટલે કે આ રેન્જમાં આવતા દુશ્મનના વાહન, એરક્રાફ્ટ, ડ્રોન કે મિસાઈલને નષ્ટ કરી શકાય છે.


એમઆરએસએએમ મિસાઈલમાં નવી બાબત એ છે કે દુશ્મનનું પ્લેન બચવા માટે રેડિયો ફ્રીક્વન્સી સીકરનો ઉપયોગ કરે છે તો પણ તેના પર વાર કરી શકે છે. તેની સ્પીડ 680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2448 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની ઝડપ પણ તેને અત્યંત ઘાતક બનાવે છે.


ભારતે ઈઝરાયેલ પાસેથી MRSAM મિસાઈલની પાંચ રેજિમેન્ટ ખરીદવાની વાત કરી છે. તેમાં 40 લોન્ચર અને 200 મિસાઈલ હશે. આ ડીલની કિંમત લગભગ 17 હજાર કરોડ રૂપિયા છે. આ મિસાઈલોની તૈનાતી ભારતને હવાઈ સંરક્ષણ કવચ બનાવવામાં મદદ કરશે. એવી અપેક્ષા છે કે તે વર્ષ 2023 સુધીમાં તૈનાત થઈ જશે.


ઈઝરાયેલ સાથે ભારતની સારી મિત્રતા છે. ભારતે 1996માં ઈઝરાયેલ પાસેથી 32 સર્ચર માનવરહિત એરિયલ વ્હીકલ ખરીદ્યા હતા. આ સિવાય લેઝર ગાઈડેડ બોમ્બ પણ ખરીદવામાં આવ્યા હતા. બરાક-1 મિસાઇલથી બરાક-8 અને બરાક-8ER મિસાઇલ સુધીની ડીલ ચાલી રહી છે. બરાક મિસાઇલ પણ MRSAM નું એક ઉત્તમ ઉદાહરણ છે.


વિશાખાપટ્ટનમ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (INS વિશાખાપટ્ટનમ) 32 એન્ટી એર બરાક મિસાઈલ તૈનાત કરી શકે છે. જેની રેન્જ 100 કિમી છે. અથવા બરાક 8ER મિસાઇલો પણ તૈનાત કરી શકાય છે, જેની રેન્જ 150 કિમી છે. તેમાં 16 એન્ટી શિપ અથવા લેન્ડ એટેક બ્રહ્મોસ મિસાઈલ લગાવી શકાય છે. એટલે કે આ બે મિસાઈલોથી સજ્જ થયા બાદ આ યુદ્ધ જહાજ દુશ્મનના જહાજો અને વિમાનો પર તૂટી પડશે.